શહેરમાં વધતા પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત શહેરના સાત કેન્દ્રો પર જૂના કપડાંમાંથી કાપડની થેલીઓ બનાવવામાં આવે છે, જે પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણનું રક્ષણ કરવાનો ઉદ્દેશ ધરાવે છે.આ પહેલ દ્વારા લોકોમાં પ્લાસ્ટિકના ઉપયોગ ઘટાડવા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નાગરિકો પોતાના જૂના કપડાં આ કેન્દ્રો પર લઈ જઈને તેમાંથી કાપડની થેલીઓ બનાવડાવી શકે છે. આ ઉપરાંત, આ કેન્દ્રો પરથી નાગરિકો મફતમાં કાપડની થેલીઓ પણ મેળવી શકે છે. આ સાથે, જૂના કપડાં, રમકડાં, જૂતા અને પુસ્તકો પણ આ કેન્દ્રો પર દાન કરી શકાય છે.આ પહેલ RRR (રીડ્યુસ, રીયુઝ, રિસાયકલ) ના સિદ્ધાંતને સાર્થક કરે છે, જે પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડી પર્યાવરણનું રક્ષણ કરે છે. આ પ્રોજેક્ટ હેઠળ AMC દ્વારા સખી મંડળોને રોજગારી પૂરી પાડવામાં આવે છે. આ સાત કેન્દ્રો પર સખી મંડળોની સભ્યો કામ કરે છે, જેના દ્વારા તેઓ આર્થિક રીતે સ્વનિર્ભર બને છે.થલતેજ કેન્દ્રના સંચાલક મુરીના બેન જણાવે છે, “હું છેલ્લા 14 વર્ષથી આ કેન્દ્રમાં કામ કરું છું. અમારા સખી મંડળ દ્વારા અમને કચરામાંથી ઉપયોગી વસ્તુઓ બનાવવાનું કામ સોંપાયું છે. અમે લોકોને પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ઘટાડી કાપડની થેલીઓ અપનાવવા જાગૃત કરીએ છીએ. રોજની 10થી 15 થેલીઓ બનાવીએ છીએ અને ગુરુવાર-શુક્રવારે AMCને સોંપીએ છીએ. પહેરવા યોગ્ય કપડાં જરૂરિયાતમંદોને મફત આપીએ છીએ, જ્યારે બાકીના કપડાંમાંથી થેલીઓ બનાવીએ છીએ.”અન્ય કાર્યકર્તા પ્રિયા ભરવાડ કહે છે, “છેલ્લા બે મહિનાથી અમે જૂના કપડાંમાંથી થેલીઓ બનાવીએ છીએ. ગુરુવાર અને શુક્રવારે અમે રોજ 10થી 15 થેલીઓ સીવીએ છીએ. દાન આપવા આવતા લોકોને પણ અમે થેલીઓ આપીએ છીએ.”
49

