વડોદરા શહેરમાં સોમવારની વહેલી સવારથી ધીમી ધારે વરસતો વરસાદ હાલ ચોવીસ કલાકથી ચાલુ છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપી છે, જોકે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાતા નગરજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના નિચાણવાળા વિસ્તારો જેમ કે ચાર દરવાજા, લહેરીપુરા, નાગરવાડી, કુનાવાવ અને મોહનલાલમિલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો ઘરના બહાર પણ નીકળી શક્યા ન હતા. ખાસ કરીને લહેરીપુરા નજીક રોડ પર ઘૂંટણ સુધી પાણી ભરાતા વાહનચાલકો તથા સ્કૂલ જતા બાળકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.દોઢ ઇંચ જેટલો છૂટક વરસાદ પડતાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. જેને લઈને લોકોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો છે. પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર પુરતી રહી ગઈ હોય તેવો આરોપ સ્થાનિક રહીશો દ્વારા મૂકાઈ રહ્યો છે.સવારથી ચાલુ વરસાદને કારણે ઘણાં બાળકો સ્કૂલ નથી જઈ શક્યાં અને અનેક લોકોએ ઓફિસ જવાનું પણ ટાળ્યું. સ્થાનિક વાહનવ્યવહાર પણ ધીમો પડ્યો છે. ખાસ કરીને બાઈકચાલકોને માર્ગો પર ફસાવા જેવી સ્થિતિ સર્જાઈ છે.હવામાન વિભાગે જાણકારી આપી છે કે આગામી બે દિવસ સુધી વડોદરામાં હળવાથી મધ્યમ દરજજાનો વરસાદ ચાલુ રહી શકે છે. ત્યારસાથે વીજળી સાથે પવન ફૂંકાવાની શક્યતા છે. લોકોને અનાવશ્યક બહાર ન નીકળવા સૂચના અપાઈ છે.
24

