સ્માર્ટ સિટી અને હવે તો સ્વચ્છ સર્વેક્ષણમાં પણ અમદાવાદ નંબર વન સીટી બની ગયું છે. તેમ છતાં અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં લોકોને ગંદા પાણી ડ્રેનેજની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ રોડ ઉપર ખાડા પડી ગયા છે તો કેટલીક જગ્યાએ રોડનું પેચ વર્ક કામ થયું નથી ત્યારે દરિયાપુરના લોકોની શું છે સમસ્યા અને કેવી રીતે જીવન ગુજરી રહ્યા છે? જાણો સમગ્ર અહેવાલ. અમદાવાદના દરિયાપુરના માતાવાળી પોળમાં રહેતા સલીમ ખાને જણાવ્યું કે, “અહીં પાણીની ખૂબ જ સમસ્યા છે. અમારા આખા વિસ્તારમાં પાણી ખૂબ જ ગંદુ છે અને ક્યારેક બિલકુલ પાણી મળતું નથી. પાણી પુરવઠાનો સમય સવારે 6:00 થી 8:00 વાગ્યા સુધીનો છે પરંતુ અહીં પાણી ઓછા પ્રેશરથી આવે છે અને અમારી શેરીમાં પાણી નથી. મારા ભાઈને કેન્સર છે અને તે બહારથી પાણી ભરીને લાવે છે. અમે આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઘણી વખત ફરિયાદ કરી છે. પરંતુ અત્યાર સુધી કોઈ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. છેલ્લા 2 મહિનાથી અમને પાણી માટે પરેશાન છીએ.”દરિયાપુરના ચારમુસલ્લી પોળમાં રહેતા મોહમ્મદ અનસે જણાવ્યું કે, “આ વિસ્તારમાં થોડા દિવસ પહેલા સુલતાન મોહલ્લામાં મોટી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી પરંતુ તેના પર રસ્તો યોગ્ય રીતે બનાવવામાં આવ્યો ન હતો. કાચો રસ્તો હોવાને કારણે વરસાદમાં અહીં પાણી ભરાઈ જાય છે. લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ જાય છે. આ ઉપરાંત, આ વિસ્તારમાં ગટર લાઇન બ્લોક થઈ ગઈ છે. અમને નવી લાઇનનું કનેક્શન મળ્યું નથી. જૂની ગટર લાઇનને નુકસાન થયું છે. સુલતાન મોહલ્લામાં પાઇપલાઇન નાખવામાં આવી છે. પરંતુ ચાર મુસલ્લીની પોલ મા લાઇન નાખવામાં આવી નથી. આ કારણે અમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.”દરિયાપુર પોપટિયાવાડમાં રહેતા ખૈરુન્નિસાએ જણાવ્યું કે, “એક મહિના પહેલા આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ માટે જમીન ખોદવામાં આવી હતી અને તેની લાઇન નાખવામાં આવી હતી. પરંતુ તે પછી કોઈ તેને બંધ કરવા આવ્યું નહીં. ઘણી વખત બાળકો પડી જાય છે. વૃદ્ધો આ રસ્તા પર ચાલી શકતા નથી. કોઈક રીતે લોકોએ જાતે રસ્તા પર માટી નાખી દીધી છે. પરંતુ હજુ સુધી રસ્તાનું સમારકામ કરવામાં આવ્યો નથી. આ સાથે અહીં ગંદુ પાણી આવે છે. કલાકો સુધી ગંદુ પાણી ફેંક્યા પછી, થોડા સમય માટે સ્વચ્છ પાણી આવે છે. અમે ઇચ્છીએ છીએ કે પાણીની સમસ્યાનો ઉકેલ આવે અને રસ્તાનું સમારકામ કરવામાં આવે.”
29
previous post

