અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ગઈકાલે રાત્રે દારૂની મહેફિલ માણનારા 100થી વધુ લોકો પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદમાં સાણંદ ખાતે આવેલા ગ્લેડ વન ગોલ્ફ રિસોર્ટ ખાતે બર્થડે પાર્ટીમાં દારૂ અને નશીલા પદાર્થો સાથેની મહેફિલ થતી હોવાની બાતમી અમદાવાદ ગ્રામ્ય પોલીસને મળી હતી. જેના આધારે 3 પોલીસ સ્ટેશનની કમ્બાઈન ટીમ દ્વારા ઘટનાસ્થળે રેડ પાડવામાં આવી હતી. જ્યાંથી તપાસ કરવામાં આવતા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 39 લોકો નશાની હાલતમાં ઝડપાયા હતા. જેની સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અમદાવાદમાં સાણંદ ખાતે આવેલા ગ્લેડ વન રિસોર્ટના બેનક્વેટ હોલમાં રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા પ્રતિક સાંઘીની બર્થડે પાર્ટીના આયોજનના ભાગરૂપે આ મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100થી વધુ લોકો હોવાની આશંકા હોવાથી અમદાવાદ ગ્રામ્ય પોલીસની 3 ટીમ દ્વારા 50થી વધુ પોલીસકર્મીઓ દ્વારા રાત્રે ઘટના સ્થળે રેડ પાડવામાં આવી હતી. જેમાં 26 મહિલા અને 13 પુરુષો સહિત 39 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. જેમની અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પ્રતિક સાંઘી નામના વ્યક્તિની બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મીત નામના વ્યક્તિ દ્વારા આ દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. આ રેડમાં પોલીસને 20થી વધુ દારૂની ખાલી બોટલો તથા હુક્કા મળી આવ્યા છે. પોલીસે તમામ મુદ્દા માલ જપ્ત કરીને હુક્કાને FSL માટે મોકલી આપ્યા છે. જો કલબની સંડોવણી હશે તો તેના પર પણ કાર્યવાહી કરવામાં આવશે. FSL અને તમામ લોકોની તપાસ પૂર્ણ થયા બાદ આગળની તપાસ હાથ ધરવામાં આવશે. આ વિસ્તારના તમામ રિસોર્ટ અને વિકેન્ડ વિલામાં હાલ નજર રાખવામાં આવી રહી છે. આ પાર્ટીમાં પ્રતિકના ફેમિલી તથા મિત્રો હાજર હોવાનું હાલ સુધીમાં જાણવા મળ્યું છે.આગળની તપાસમાં દારૂનો જથ્થો ક્યાંથી અને કઈ રીતે અહી પહોંચ્યો તે વિશે તપાસ કરવામાં આવશે. તથા દારૂ પહોંચાડનાર વ્યક્તિ દ્વારા અન્ય કોઈ જગ્યાએ દારુ પહોંચાડ્યો હોય તો તેના વિશે પૂછપરછ કરવામાં આવશે. આ સિવાય SOG અને પોલીસ ટીમ દ્વારા તમામ ફાર્મહાઉસ અને વિકેન્ડ વિલામાં નજર રાખવામાં આવી રહી છે.આ ઉપરાંત ગઈકાલે રાત્રે પોલીસ દ્વારા અન્ય એક રેડ પાડવામાં આવી હતી, જે સાણંદ ખાતે આવેલા કલ્હાર બંગલોઝમાં 12 શખ્સો દ્વારા દારૂ પાર્ટી અને જોર જોરથી ગીતો વગાડવામાં આવે છે, તેવું જણાવતા પોલીસે તપાસ કરતા 12 શખ્સોની 161000 રૂપિયાના મુદ્દા માલ સાથે ગુનો નોંધી તપાસ કરવામાં આવી છે. આમ અમદાવાદ પોલીસ દ્વારા ગઈકાલે રાત્રે બે રેડ પાડવામાં આવી છે.
30

