રાજ્ય સરકાર દ્વારા 1લી જાન્યુઆરી 2025ના જાહેરનામાંથી આણંદ નગરપાલિકા, કરમસદ નગરપાલિકા અને વલ્લભવિદ્યાનગર નગરપાલિકા તથા નજીકના અન્ય ગામોનો સમાવેશ કરીને ‘આણંદ મહાનગરપાલિકા’માં રૂપાંતરીત કરવામાં આવી હતી. આ નામ જાહેર થતા કરમસદ શહેર ભાજપ પરિવાર દ્વારા ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી મોં મીઠું કરી ‘ભારત માતા કી જય’ના નાદ સાથે ઉજવણી કરવામાં આવી હતી.મનપાનો નવો લોગો, વાહનો પર લખાણ અને બેનરો પર કરાયેલો ખર્ચો માથે પડયો, હવે નવેસરથી પૈસા ખર્ચાશે. કરમસદને સ્વતંત્ર દરજ્જો આપવાની માંગ વચ્ચે બુધવારે રાજ્ય સરકાર દ્વારા આણંદ મહાનગરપાલિકાના નામમાં ‘કરમસદ’ના નામને સામેલ કરવાના પ્રસ્તાવને મંજૂરીની મહોર મારી દીધી છે. જોકે, કરમસદના નગરજનો આણંદને મનપામાં ન જોડવા માટે છેલ્લાં છ માસથી ચળવળ ચલાવી રહ્યા હતા, તેની વચ્ચે તાજેતરમાં મુખ્યમંત્રી સમક્ષ ભાજપના આગેવાનોએ રજૂઆત કરી હતી. આખરે સરકાર દ્વારા કરમસદ-આણંદ મહાનગરપાલિકાનું નામ જાહેર કરી કેબિનેટની બેઠકમાં મંજૂરી અપાઇ છે.આણંદ જિલ્લામાં છેલ્લા દશકથી સરદાર પટેલની કર્મભૂમિ કરમસદને વિશેષ દરજ્જો આપવામાં આવેની સમયાંતરે માંગ ઉઠી હતી. પરંતુ બહુમતીમાં ચૂંટાયેલી સરકાર દ્વારા આ માંગને યેનકેન પ્રકારે ટલ્લે ચઢાવી દેવામાં આવતી હતી. જે બાદ ગત જાન્યુઆરીમાં રાજ્ય સરકારે આણંદ મહાનગરપાલિકાનો દરજ્જો આપતા તેમાં કરમસદનો સમાવેશ કરવામાં આવતાં વિવાદનો મધપૂડો છંછેડાયો હતો અને સ્થાનિક સ્તરેથી વિરોધ પ્રદર્શન થયું હતું. મહાનગરપાલિકા જોડે સરદાર પટેલનું નામ અથવા કરમસદ મનપાની માગ સરદાર પટેલ સન્માન આંદોલન સમિતિ દ્વારા કરાઈ હતી. દરમિયાન, ભાજપના આણંદના ધારાસભ્ય સહિત અગ્રણીઓ મુખ્યમંત્રીને મળ્યા હતા અને મહાનગરપાલિકામાં કરમસદનું નામ સામેલ કરવામાં આવે તેવી માગ સાથે આવેદન આપ્યું હતું. જે અંતર્ગત બુધવારે પ્રસ્તાવને કેબિનેટમાં મંજૂરી આપી દેવાઈ હતી. નોંધનીય છે કે, નવું નામકરણ કરતાં જ હવે કોર્પોરેશનના વાહનો, લોગો સહિત બેનરો પર નવા નામકરણનો વધારાનો ખર્ચો કરવો પડશે.રાજ્ય સરકાર દ્વારા નવી જાહેર કરાયેલી 9 નવી મનપાનું સીમાંકન હાલ જાહેર કરાયું છે જે પૈકી મનપામાં 13 વોર્ડ અને 52 સીટ પર ચૂંટણી યોજાશે. રાજ્યની 6 મનપા અને નવી જાહેર કરાયેલી 9 મનપાની આ ચૂંટણી સંભવિત આગામી ડિસેમ્બર-જાન્યુઆરીમાં યોજાશે.
59

