અમદાવાદ: ગુજરાત કોંગ્રેસમાં સાંગઠનિક પાયે મહત્વપૂર્ણ ફેરફાર કરતા પાર્ટીએ બીજીવાર અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ તરીકે પસંદ કર્યા છે, જ્યારે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા છે.
શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની નામની પસંદગી કરવામાં આવી. તેઓ 2018 થી 2021 દરમિયાન પણ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. અમિત ચાવડા પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના મામાના દીકરા છે અને ઓબીસી સમુદાયને પ્રતિનિધિત્વ આપે છે.
દિલ્લીમાં 10 જુલાઈએ આયોજિત બેઠકમાં નવા પ્રમુખ માટે ચર્ચા કરવામાં આવી હતી. તેમાં ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈના નામ પણ સંભવિત ઉમેદવાર તરીકે ચર્ચાઈ રહ્યા હતા, પરંતુ અંતે પુનઃ અજમાવેલા નેતા અમિત ચાવડા પર વિશ્વાસ મુકાયો.
તુષાર ચૌધરી, જે આદિવાસી પૃષ્ઠભૂમિ ધરાવે છે, તેમને વિપક્ષના નેતા તરીકે પસંદ કરીને કોંગ્રેસે સમીકરણો કરવાનો પ્રયાસ કર્યો છે. 30 વર્ષથી સત્તાની બહાર રહેલી કોંગ્રેસે આગામી ચૂંટણીને ધ્યાને રાખી જૂના અને અનુભવી ચહેરાઓ પર જ દાવ લગાવ્યો છે.
પાર્ટીની આ નવી ટીમ સામે હવે સત્તારૂઢ પક્ષ સામે મજબૂત પડકાર ઉભો કરવાનો દબાણ રહેશે.

