107 ગુનામાં પોલીસ ચોપડે નોંધાયેલો કુખ્યાત કારા રાડા આખરે પકડાયો

by JAYENDRA UPADHYAY
0 comments

જુનાગઢ પોલીસને વધું એક મોટી સફળતા મળી છે. જુનાગઢ શહેર અને જિલ્લામાં અપરાધની દુનિયામાં ખોફ ધરાવતા કારા રાડા અને તેના એક અન્ય સાગ્રીતને આજે વહેલી સવારે પોલીસ અધિક્ષક સહિત એલસીબી અને પોલીસ કર્મચારીઓની ટીમે ફિલ્મી ઢબે પકડી પાડ્યો છે. કારા રાડા પર 107 કરતાં પણ વધારે અપરાધિક કૃત્ય પોલીસ ચોપડે નોંધાયા છે. આટલા મોટા આરોપીને પકડી પાડયા બાદ પોલીસે ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કરવા જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અપરાધી કારા રાડાને રજૂ કરીને લોકો સમક્ષ માફી પણ મંગાવી હતી.જુનાગઢ શહેર અને જિલ્લામાં કારા રાડા નામનો કુખ્યાત અપરાધી પોતાના અપરાધને લઈને લોકોમાં ભય ફેલાવવાની સાથે અપરાધ કરતો હતો. પોલીસ ચોપડે વોન્ટેડ અને પાછલા ત્રણેક મહિનાથી શરતી જામીનનો ભંગ કરીને ફરાર રહેતા કારા રાડાને આજે વહેલી સવારે જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા એલસીબી પીઆઇ અને સમગ્ર પોલીસની ટીમોએ ખૂબ જ ગુપ્ત રાહે અને ફિલ્મી ઢબે કારા રાડા અને તેના એક સાગ્રીત રાજુ રાડાને ઝડપી પાડ્યા છે. પોલીસે તેના જ વિસ્તારમાં ઘુંટણીએ પાડીને લોકો સમક્ષ માફી મંગાવીને અપરાધીનું અભિમાન ઉતારી દીધું હતું.પાછલા એક દસકા કરતા પણ વધારે સમયથી જુનાગઢ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં કારા દેવરાજ રાડા બી એન એસ સહિત પર પ્રાંતીય દારૂ લોકોને ધાક ધમકી આપવી અને વ્યાજ પર નાણા આપવા જેવા અપરાધિક કૃત્યોમાં સામેલ હતો સી ડિવિઝન પોલીસે બી.એન.એસ ના એક કેસમાં અપરાધી કારા રાડા ને પકડી પાડીને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે કારા રાડાનું જેલ વોરંટ બજાવતા તેને મહેસાણા જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. જેલમાંથી કારા રાડા એ ગુજરાતની વડી અદાલતમાં શરતી જામીન મેળવવા માટે જામીન અરજી કરી હતી, જેમાં કારા રાડાને સફળતા મળતા ગુજરાત હાઇકોર્ટે તેને શરતી જામીન આપીને જેલમાંથી મુક્ત કર્યો હતો, પરંતુ જામીન પર રહ્યા બાદ અપરાધી કારા રાડાએ જામીનની શરતોનો ભંગ કરીને અપરાધિક કૃત્ય શરૂ કરતાં રાજ્યની વડી અદાલતે 27મી માર્ચ 2025ના દિવસે તેના જામીન રદ કરી દીધા હતા, ત્યારથી કારા રાડા પોલીસ ચોપડે ફરાર કુખ્યાત અપરાધી બની ગયો હતો.પોલીસ પકડમાં રહેલો કારા રાડા 107 જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ગયો હતો. 2025માં હાઇકોર્ટે જામીન રદ કર્યા બાદ તે ફરાર હતો. જુનાગઢ પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે ફરાર અપરાધી કારા રાડા વિસાવદર અને મેંદરડા પંથકની સીમમાં તેના કેટલાક સાગરીતો સાથે આશરો લઈ રહ્યો હતો અને તે વહેલી સવારે જુનાગઢ તરફ આવવાનો છે, તેવી ચોક્કસ બાતમીને આધારે પોલીસે મેંદરડા અને વિસાવદર તરફથી જુનાગઢ આવવાના માર્ગ ઉપર ખાનગી વાહનોમાં છુપા વેશે અલગ અલગ પોલીસની ટીમો બનાવીને કારા રાડાને ઝડપી પાડવા માટે મધ્યરાત્રીએ ઓપરેશન રાડા શરૂ કર્યું હતુ.પોલીસ પકડમાં આવેલા કારા રાડા અને તેના અન્ય એક સાગરિતને લઈને પોલીસે હવે વધુ તપાસ શરૂ કરી છે. માર્ચ મહિનાથી પોલીસ ચોપડે ફરાર આરોપી પાછલા ચાર મહિના દરમિયાન કઈ જગ્યા પર છુપાયો હતો તેને છુપાવવા માટે કોઈ વ્યક્તિએ મદદ કે આશરો આપ્યો છે કે કેમ તેમજ ચાર મહિનાના સમય દરમિયાન તેણે અન્ય કોઈ અપરાધિક કૃત્ય કરવાની સાથે ધાક ધમકી કે અન્ય પ્રકારના કોઈ અપરાધ કર્યો છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. વધુમાં પોલીસ અધિક્ષકે લોકોને કોઈપણ અપરાધી વિરુદ્ધ ખુલીને પોલીસમાં તેની જાણ કરવા વિનંતી કરી છે, જેથી કોઈપણ ટપોરીને મોટો અપરાધી બનતો અટકાવી શકાય અને લોકો શાંતિથી પોતાનું જીવન જીવી શકે તે દિશામાં લોકોએ પોલીસને સહકાર આપવાની વિનંતી પણ કરી છે.

You may also like

Leave a Comment