ભાવનગર જિલ્લાનો દરિયા કિનારો ડોલ્ફિન જેવી માછલીઓનું ઘર બનતો જાય છે. ત્યારે દરિયા જીનારે રહેતો માનવી ડોલ્ફિનનો મિત્ર બની રહ્યો છે. હા આ વાત એટલા માટે કહેવી પડી રહી છે કે ભાવનગર જિલ્લાના દરિયા કાંઠે એક ડોલ્ફિન માછલી છીછરા પાણીમાં ફસાઈ હતી. દરિયાના છીછરા પાણીમાં ફસાયેલી ડોલ્ફિને પૂછડું પછાડયું અને તેનો જીવ બચી ગયો હતો.ભાવનગર જીલ્લો 100 કિલોમીટર કરતાં વધારે દરિયા કિનારો ધરાવે છે. ત્યારે ભાવનગર જિલ્લાનો દરિયાકાંઠો ડોલ્ફિન માછલીઓ માટે તેમનું રહેણાંક બનતો જાય છે. પહેલી તારીખના રોજ બપોરના સમયે આસપાસ ઝવેરભાઈ નામના માછીમાર દરિયા કાંઠે ઘર માટે મચ્છી પકડવા માટે દરિયામાં જતા હતા. ત્યારે જે બન્યું તે ઝવેરભાઈએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હું બપોરના સમયે ઘર માટે મચ્છી પકડવા દરિયામાં જતો હતો. અડધો કિલોમીટર દૂર હતો ત્યારે દરિયાકાંઠે પાણી ઉછળતા જોવા મળ્યું. ઓટ હતી એટલે કાંઠે પાણી હોઈ નહીં તો પાણી કેમ ઉછળ્યું એટલે હું ચાલીને ત્યાં સુધી જોવા ગયો. ત્યારે દરિયાકાંઠે એક ખાડામાં પાણીમાં ડોલ્ફિન માછલી ફસાયેલી હતી. દરિયામાં ઓટ હોવાથી પાણી પાછું જતું રહ્યું હતું. માછલી આશરે છ ફૂટ કરતા મોટી હોવાથી મેં આસપાસના લોકોને બોલાવ્યા અને ત્યારબાદ ઊંચકીને અમે ઊંડા પાણી સુધી લઈ ગયા હતા. ત્યાં ડોલ્ફિનને ફરી દરિયામાં છોડવામાં આવી હતી.આ ડોલ્ફિન માછલીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે હાથબના રહેવાસી અને ભાવનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં બે દિવસ પહેલા એક ડોલ્ફિન દરિયા કાંઠે ફસાઈ હતી. જેને તેના આસપાસના લોકોએ દરિયાના ઊંડા પાણીમાં ફરી છોડી હતી. જો કે બે વર્ષ પહેલાં પણ આ જ પ્રકારે એક ઘટના બની હતી. જેમાં પણ ડોલ્ફિનને ઊંડા પાણીમાં છોડવામાં આવી હતી. પરંતુ તે સમયે એક નહીં પરંતુ બે ડોલ્ફિન એક સાથે ફસાઈ હતી. જો કે હાથબના દરિયા કાંઠે અનેક વખત ડોલ્ફિન જોવામાં આવતી હોય છે.
29

