નવસારી શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ભારે વરસાદની અસર હજુ પણ સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. શહેરી વિસ્તારમાં રિંગ રોડ, ભેંસત ખાડા, કમલા દરવાજા, મીઠીલા નગરી અને કાશીવાડી જેવા વિસ્તારોમાં હજી પણ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. અનેક ઘરોમાં પાણી ઘૂસતાં લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું છે. લોકો પોતાના ઘરમાથી પાણી કાઢી સફાઈના કામમાં લાગ્યા છે.પૂરના કારણે શહેરમાં પોલીસ સ્થિતિ ઊભી થતી, તંત્ર દ્વારા તરત જ કાર્યવાહી કરાઈ હતી. શહેરના પાણીમાં ગરકાવ વિસ્તારોમાંથી લોકોની સુરક્ષાના હિતમાં 550થી વધુ નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. પૂરગ્રસ્ત વિસ્તારોમાં હવે જ્યારે પાણી ઓસરી રહ્યા છે, ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મચ્છરજન્ય રોગચાળાને અટકાવવાના હેતુથી ડી.ડી.ટી. પાવડરનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે.નવસારી તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. નદીના પાણી નીચાણવાળા વિસ્તારો સુધી પહોંચતાં લોકો તત્કાલ અસરગ્રસ્ત બન્યા હતા. સારવાર અને આરોગ્ય સેવાઓ સુધી પહોચવું પણ મુશ્કેલ બની ગયુ હતું. વરસાદમાં વિરામ મળતા પાણી ધીરે ધીરે ઓસરવા લાગ્યા છે. પરંતુ લોકોના ઘરજીવનને સામાન્ય થવામાં હજુ સમય લાગશે. સ્થિતિને ધ્યાનમાં રાખીને નવસારી મહાનગરપાલિકા તેમજ જિલ્લા પ્રશાસન સતર્ક બન્યું છે. શહેરની તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં સ્થાનિક પરિસ્થિતિના આધારે રજા આપવા અંગે નિર્ણય લેવામાં આવી રહ્યો છે.જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે. લોકોને સુરક્ષિત રહેવા તેમજ તંત્ર સાથે સહયોગ કરવા અનુરોધ કરાયો છે. તંત્ર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી પણ સતત ચલાવવામાં આવી રહી છે. શહેરમાં તણાવભર્યા વાતાવરણ વચ્ચે લોકો તંત્રથી સહાયની આશા રાખી રહ્યા છે. તંત્ર લોકોના જીવનને જલદી સામાન્ય બનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. પરંતુ હાલની પરિસ્થિતિનો મૂલ્યાંકન કરીએ તો નવસારી હજુ પણ પૂર જેવી પરિસ્થિતિમાંથી સંપૂર્ણપણે બહાર નીકળ્યું નથી.
44

