તાપીનાં સોનગઢ તાલુકા મથકેથી 35 કીમી અંતરે દક્ષિણ પટ્ટીમાં જંગલ વિસ્તારમાં હીંદલાની બાજુમાં આવેલા ચિમેર ગામનો ચિમેર ધોધ છેલ્લા થોડા દિવસોથી સતત વરસાદી માહોલ વચ્ચે સિઝનમાં પ્રથમ વખત સંપૂર્ણપણે સક્રિય થયો છે. જેને જોવા અને માણવાને માટે સહેલાણીઓ આવી રહ્યા છે. આ ધોધ ઊંચાઈએ દક્ષિણ ગુજરાતના મોટા ધોધમાંનો એક હોવાનું મનાય છે. જે ઘાઢ જંગલોની વચ્ચે ખળ ખળ વહેતા ધોધનો કુદરતી નજારો જોવા લાયક થઇ જાય છે.કુદરતે જ્યાં ખોબે ખોબા ભરીને સૌંદર્ય વેર્યું છે. તાપી જિલ્લાના દક્ષિણી સોનગઢના જંગલો ચોમાસા દરમિયાન સોળેકળાએ ખીલી ઉઠે છે. ઊંચા નીચા ડુંગરો પર છવાયેલ જંગલોની હરિયાળી ચાદર આંખ અને મનને અનોખો સંતોષ આપી જાય છે. જેમાં સોનગઢ તાલુકાના ચિમેર ગામે આવેલ ચીમેર ધોધ જેના નીર આશરે 200 ફૂટની ઉંચાઈએથી નીચે પડતા અદભુત નજારો જોવા મળતો હોય છે. સૌંદર્યથી ભરપૂર હરિયાળા સોનગઢના જંગલ વિસ્તારમાં આવેલ આ ધોધ ગૌમુખનો ધોધ, ડાંગના મહેલનો ગીરમાળી અને ગીરા ધોધ જેટલો જ પ્રવાસીઓને આકર્ષિત કરે છે. ગાઢ જંગલ વિસ્તારમાં ખળ ખળ વહેતા કુદરતના આ સૌંદર્યને માણવા પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં અહીં આવે છે. તંત્રએ છેલ્લા થોડા વર્ષથી આ વિસ્તારને વિકસિત કરવાને માટે કવાયત હાથ ધરી છે. અહીં સુધી પહોંચવાનો રસ્તો પાકો બનાવ્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફેન્સિંગ સહિત અહીં આવતા પર્યટકો માટે પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પર્યટકોની અવરજવર વધતા સ્થાનિકોને રોજગારી પણ મળી રહે છે.સોનગઢથી અંદાજિત 35 કિ.મી દૂર મેધા ધોધ આવેલો છે. જ્યાં કુદરતના સૌંદર્યનો અબ્દભુત નજારો જોવા મળે છે. રસ્તો જંગલો વચ્ચેથી જતો હોવાથી પર્યટકો માટે આ એક રોમાંચક અનુભવ બની રહે છે. રસ્તો ઘાટવાળો હોવાથી કેટલીક જગ્યાએ નાના મોટા ઝરણાઓ પણ સક્રિય થતા આ પ્રવાસનો અદભૂત અનુભવ કરાવે છે. ગ્રામીણ વિસ્તાર ના લોકોના જીવનથી પ્રભાવિત પણ થવાય છે. જ્યાં સ્થાનિક લોકો પોતાના પશુ સાથે રસ્તા પર નીકળે તે પણ લોકોને આકર્ષે છે.અંતરિયાળ વિસ્તારમાં આવેલ ચિમેર ગામ જ્યાં લોકો માટે રોજગારીની તક ઓછી છે. ત્યાંથી જિલ્લાનું વડુ મથક પણ દૂર છે. જેને લઇને સ્થાનિક લોકો ખેતી સહિત પશુપાલન પર નિર્ભર રહે છે. વન વિભાગ અને સરકાર જો આવા પર્યટક વિસ્તારને વધુ વિકસાવે તો ગામ લોકો માટે રોજગારી તક ઉભી થાય એમ છે.બારડોલી થી આવેલ પર્યટકે જણાવ્યું હતું કે, આ ચિમેર ધોધને જોવા માટે અમે છેલ્લા 6 થી 7 વર્ષ થી આવીએ છીએ. કુદરતી સૌંદર્ય વચ્ચે પડતા આ ધોધને જોતા મન શાંત થાય છે. એક અલગ અનુભતિ પણ થાય છે. આ ધોધ જંગલના વચ્ચે આવેલો હોવાથી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તંત્ર દ્રારા આ ધોધની આસપાસ ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે. પહેલા અહીં આવવું હોય તો એક કિલોમીટર ગાડી મૂકીને ચાલતું આવવું પડતું હતું, પરંતુ હાલમાં અહીં ધોધ સુધીનો રસ્તો બની ગયો છે. અહીં ફેન્સિંગ પણ કરી દેવામાં આવી છે. જેના દ્રારા કોઈ ઘટના ન બને અને અમને અહીં આવીને ખુબ જ સારું લાગે છે.
103
previous post

