મુંદરામાં મોબાઈલ સપ્લાયના નામે વેપારી સાથે રૂ. ૧૧.૫૫ લાખની છેતરપિંડી – ત્રણ વ્યક્તિ સામે ગુનો દાખલ

by JAYENDRA UPADHYAY
0 comments

મુંદરા, 
મુંદરા તાલુકાના બારોઈ રોડ વિસ્તારમાં આવેલ પ્રાર્થના કોમ્પ્લેક્ષની દુકાન ‘રાજલ કલેકશન’ના માલિક સાથે મોબાઇલ સપ્લાયના બહાને રૂ. ૧૧,૫૫,૦૦૦ની છેતરપિંડીનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. ત્રણ આરોપીઓ સામે મુંદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરીયાદી શામજીભાઈ નવગાભાઈ રાજપૂત (ઉ.વ. ૩૨), રહે. સદગુરુ સ્માર્ટ સિટી, નાના કપાયા, તા. મુંદરા, મૂળ નિવાસી કિડીયાનગર (તા. રાપર) એ જણાવ્યું હતું કે, તેમણે ‘હરીઓમ કોમ્યુનિકેશન એલ.એલ.પી. (એચ.ઓ.સી.એલ. કંપની)’ના બે અધિકારીઓ – સેલ્સ મેનેજર અભિનવ રાજેશભાઈ ઠુંબલ અને જનરલ મેનેજર ધવલભાઈ સંઘવી પાસેથી ૫૧ મોબાઈલ ફોનનો ઓર્ડર આપ્યો હતો. આરોપીઓએ જણાવેલા એકાઉન્ટમાં કુલ રૂપિયા ₹11,55,000 એડવાન્સ તરીકે ટ્રાન્સફર કર્યા હતા, પણ આજે સુધી કોઈ ડિલિવરી ન મળતા તેઓને છેતરપિંડીની શંકા ગઈ હતી.

ફરીયાદ અનુસાર, આરોપી નં.૩ રાજેશભાઈ મુળુભાઈ ઠુંબલ (અભિનવના પિતા)એ પણ ખાતરી આપીને વાત ટાળી હતી અને બાદમાં ફરીયાદીને ફોન પર ધમકી આપતાં કહ્યું કે, “મને કે મારા દીકરાને હવે ફોન નહીં કરતો, નહિ તો તને પતાવી દઈશ.”

આ આરોપીઓ સામે મુંદરા પોલીસ સ્ટેશનમાં IPCની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુનો નં. 240/47/31 મુજબ ફરિયાદ દાખલ થઈ છે. પ્રાથમિક તપાસ મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ કાનાભાઈ રબારી દ્વારા કરવામાં આવી રહી છે તથા આગળની તપાસ PSI ડી.બી. વાઘેલા સંભાળી રહ્યા છે.

You may also like

Leave a Comment