ગઇ તા.૩૦/૧૨/૨૦૨૪ ના રોજ સાંજના આશરે પાંચેક વાગ્યે ફરીયાદી બહેન નાઓ કીડીયારૂ પુરવા પોતાના ઘરેથી બહાર નીકળી પાંચેક મીનીટ બાદ પરત ફરતાં ઘરમાં કાંઇક અવાજ આવતો હોય જેથી બેડરૂમમાં ચેક કરતાં તીજોરી ખુલ્લી હોય અને બાથરૂમમાં જોતાં સ્ત્રી વેશમાં આવેલ આરોપીએ ફરીયાદી બહેનની આંખમાં મરચા પાવડર નાંખી, ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી, ફરીયાદીશ્રી સાથે મારપીટ કરી ગળામાં રહેલ આશરે બે તોલાની સોનાની ચેઇન ઝૂંટવી, ડાબા હાથની આંગળીમાં છરી મારી, ધાક-ધમકી કરી તીજોરી માંથી રોકડા રૂ.૩૫,૦૦૦/- ની લુંટ કરી નાશી ગયેલ. જે બનાવ અંગે અંજાર પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઇસમ વિરૂધ્ધ અંજાર પો.સ્ટે.ગુ.ર.નં.૧૫૮૧/૨૦૨૪, બી.એન.એસ. કલમ-૩૦૯(૬),૧૧૫(૨),૧૨૭(૭). ૩૫૧(૩), ૩૩૧(૩) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધાયેલ.
સદર લુંટના ગુન્હાનો ભેદ ઉકેલવા મહે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, કચ્છ-ભુજ તથા મહે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ-કચ્છ, ગાંધીધામ નાઓ દ્વારા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ. તથા ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ મહે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ નાઓએ ગુન્હા વાળી જગ્યાની વીઝીટ કરી ગુન્હો શોધી કાઢવા સારૂ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ ના વડપણ હેઠળ S.I.T. ની રચના કરવામાં આવેલ અને સીટના સભ્ય તરીકે પો.ઇન્સ.શ્રી એન.એન.ચુડાસમા, એલ.સી.બી. તથા પો.ઇન્સ.શ્રી એ.આર.ગોહીલ, અંજાર પોલીસ સ્ટેશન નાઓને રાખવામાં આવેલ. અને સુંદર લુંટનો ગુન્હો શોધી કાઢવા સારૂ અધિકારીશ્રી/ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સર્વેલન્સ મારફતે તપાસ કરાવતા જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં SAFE EAST-KUTCH અંતર્ગત અંજાર, આદીપુર વિસ્તારમાં લગાડવામાં આવેલ અલગ-અલગ આશરે-૧૯૮ જેટલા સી.સી.ટી.વી. કેમેરા ચેક કરી અને સી.સી.ટી.વી. ફૂટેજ નો આશરે ૯૦૦ જી.બી. જેટલો બેકઅપ ડેટા મેળવી તેનુ એનાલીસીસ ચાલુમાં હતુ તે દરમ્યાન SAFE EAST- KUTCH અંતર્ગત લગાડવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરા ના ફૂટેજમાં એલ.સી.બી. ની ટીમને ગુન્હા સંલગ્ન અતિ મહત્વની ચાવી રૂપ કડી મળી આવેલ. અને ખાનગી તેમજ ટેક્નીકલ રાહે ચોક્કસ હકીકત મળેલ કે, સદર ગુના કામેની લુટમાં શકદાર હર્ષ ભરતભાઈ પટેલ રહે.કૈલાશ જ્યોત સોસાયટી, મેઘપર(બો), તા.અંજાર વાળો સંડોવાયેલ હોવાની તેમજ મજકુર શકદાર ઈસમ અમદાવાદ થી ટ્રેન મારફતે ગાંધીધામ આવી રહેલ હોવાની હકિકત જાણવા મળતાં જીલ્લા પોલીસની અલગ-અલગ ટીમો સાથે મજકુર ઈસમની ગાંધીધામ રેલ્વેસ્ટેશન બહાર વોચમાં હતા દરમ્યાન શકદાર ઈસમ રેલ્વે સ્ટેશનથી બહારથી મળી આવતાં તેને ગુના કામે પુછપરછ અર્થે એલ.સી.બી. કચેરી, ગાંધીધામ ખાતે લઈ આવી સદર લુંટના ગુન્હા બાબતે પુછતાં પોતે ગુન્હા ની કબુલાત આપેલ તેમજ સદર ગુન્હા કામે લુંટ કરેલ સોનાની ચેઈન બેન્કીંગ સર્કલ, ગાંધીધામ મધ્યે આવેલ ફેડબેન્કમાં મુકી રૂ.૫૫,૦૦૦/૦૦ ની ગોલ્ડ લોન લીધેલ હોવાની હકીકત જણાવતાં જે બાબતે બેંન્કીંગ સર્કલ પાસે આવેલ ફેડબેંન્ક ખાતે ખરાઇ કરાવતાં મજકુરે જણાવેલ હકીકત સાચી હોવાની હકીકત ઉજાગર થયેલ છે. તેમજ પોતે બનાવ સમયે પહેરેલ લેડીઝ કુર્તો તથા ચહેરા ઉપર બાંધેલ દુપટ્ટો સાંઇ રેસીડેન્સી પાછળ આવેલ બાવળ-બોરડીની ઝાડીમાં ફેકી દીધેલ જે આરોપીની બતવણી મુજબ શોધી પુરાવા કામે કબજે કરી આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે અંજાર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
જાણભેદુ જ નિકળ્યો
આ કામેના આરોપી તથા ફરીયાદીશ્રી ના પરીવાર વચ્ચે સારા સંબંધ હોઈ જેથી આરોપી પોતે ફરીયાદી ઘરે ક્યારે એકલાં હોય છે તેની તથા ફરીયાદીના ઘરમાં સોનાના ઘરેણા હોવાનું જાણતો હોય, આરોપીએ ચોરી કરવા પ્લાન બનાવેલ અને પ્લાનીંગ મુજબ લુંટ કરેલ તે દિવસે ગાંધીધામ ડી-માર્ટ ખાતેથી લેડીઝ કુર્તો તથા દુપટ્ટો તથા મરચા પાવડર ખરીદેલ. અને ફરીયાદીના ઘરથી થોડે દૂર આવેલ ખેતર માં પોતે ચોરી કરવા જાય ત્યારે પોતાની ઓળખ છૂપાવવા સારૂ ડી-માર્ટ માંથી ખરીદ કરેલ લેડીઝ કુર્તો પહેરેલ અને ચહેરા ઉપર દુપટ્ટો બાંધી દઇ, રસ્તામાંથી પથ્થર લીધેલ અને ફરીયાદીના ઘરના મેઈન ગેઈટ વાટે પ્રવેશ કરી ઘરના આંગણામાં છુપાઈ ગયેલ અને સાંજના સમયે ફરીયાદીશ્રી ઘરની બહાર કીડીયારુ પુરવા નિકળેલ દરમ્યાન પોતે ઘરમાં ચોરી કરવા માટે ગયેલ અને ઘરના કબાટમાં ચેક કરેલ તેમાંથી કાંઈ નહિ મળેલ દરમ્યાન ફરીયાદી આવી જતાં પોતે બાથરૂમમાં છુપાઈ ગયેલ અને ફરીયાદીશ્રી નાઓએ બાથરૂમનો દરવાજો ખોલતાં તેઓના ઉપર મરચાની ભુકી નાખી અને ફરીયાદી ભાગતાં તેઓને પથ્થર મારી, ફરીયાદીશ્રી સાથે મારપીટ કરી, ડાબા હાથની આંગળીમાં છરી મારી, ધાક-ધમકી કરી સદર લુંટને અંજામ આપેલ છે.
આ કામગીરી પ્રો.આઇ.પી.એસ. શ્રી વિકાસ યાદવ સાહેબ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌધરી સાહેબ, અંજાર વિભાગ, અંજાર તથા પોલીસ ઇન્સપેક્ટરશ્રી એન.એન.યુડાસમા, લોકલ ક્રાઇમ બ્રાંન્ચ, પોલીસ ઇન્સપેક્ટરશ્રી એ.આર.ગોહીલ, અંજાર પોલીસ સ્ટેશન તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.જાડેજા, લોકલ ક્રાઇમ બ્રાંન્ચ તથા પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એમ.એમ.ઝાલા, અંજાર પોલીસ સ્ટેશન તેમજ એલ.સી.બી. તથા અંજાર પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.