ભુજ નગરપાલિકા વિસ્તારમાં ગાયના મોત મામલે રજૂઆત કરવા આવેલા ગૌરક્ષકોમાંથી એક ગૌરક્ષકે ઉશ્કેરાઈને નગરપાલિકાના પ્રમુખ પર હુમલો કરતાં ચકચાર મચી છે. આશ્ચર્યની વાત એ છે કે રજૂઆત સમયે ત્રણથી ચાર પોલીસકર્મીની હાજરી હોવા છતાં હુમલાની ઘટના બની હતી. હુમલાની ઘટનાથી વ્યથિત થયેલા પ્રમુખ રડી પડ્યા હતા.ભુજની નાગોર ડમ્પિંગ સાઈડ પર ગાયોનાં મોત થતાં આજે ગૌરક્ષકોની એક ટીમ ભુજ નગરપાલિકા પર રજૂઆત માટે પહોંચી હતી. ગૌરક્ષકોએ ઉગ્ર રીતે રજૂઆત કરી રહ્યા હોવા છતાં પ્રમુખ શાંતિથી તમામને સાંભળી રહ્યા હતા. ત્યારે જ બીજી કતારમાં ઊભેલા એક ગૌરક્ષકે પ્રમુખ ઘનશ્યામ ઠક્કર પર હુમલો કરતાં હોબાળો મચ્યો હતો.ભુજ નગરપાલિકા કચેરીમાં આજે ગૌરક્ષકો ગાયનાં મોત મામલે રજૂઆત માટે આવ્યા હતા ત્યારે રજૂઆત સમયે ત્રણથી ચાર પોલીસકર્મી પણ ઘટનાસ્થળ પર હાજર હતા. એમ છતાં એક ગૌરક્ષકે ઉશ્કેરાઈને હુમલો કરી દીધો હતો. હુમલો થતાં પોલીસકર્મીઓએ તમામ ગૌરક્ષકોને ઓફિસની બહાર કર્યા હતા.
