ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના કાણકિયા ગામમાંથી પસાર થતી રૂપેણ નદી પર કોઝવે બનાવવામાં આવ્યો છે, પરંતુ પુલની અભાવે ચોમાસામાં ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગામના સામા કાંઠે આવેલા 100 જેટલા ખેડૂતોના ખેતરો અને 1500 જેટલા લોકોની વસ્તીને નદીના ધસમસતા પાણીમાંથી જીવના જોખમે પસાર થવું પડે છે.કાણકિયા ગામની કુલ વસ્તી આશરે 3,000 છે, અને ગામની વચ્ચેથી પસાર થતી રૂપેણ નદી પર આઝાદીના આટલા વર્ષો બાદ પણ પુલ બન્યો નથી. સરકારના વિકાસના દાવા અહીં પોકળ સાબિત થયા હોય તેવું લાગે છે. નદી પર હાલનો કોઝવે પૂરતો નથી, અને પુલના અભાવે વાહન ચાલકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ખાસ કરીને, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવે ત્યારે સામા કાંઠે જવું અશક્ય બની જાય છે. આવા સમયે ગ્રામજનોને કાણકિયાથી કરેણી, ધ્રાબાવડ, ઉંદરી, ફુલકા થઈને આશરે 12 કિલોમીટરનું ચક્કર લગાવવું પડે છે.ગામમાં 700થી વધુ વિદ્યાર્થીઓ ભણતી શાળા આવેલી છે, જેમાંથી 400 જેટલા વિદ્યાર્થીઓ સામા કાંઠેથી આવે છે. નદીમાં ભારે પાણીનો પ્રવાહ હોય ત્યારે આ વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી શકતા નથી, અને મોટા વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવી પડે છે. આ ઉપરાંત, સામા કાંઠે રહેતા લોકો, ખાસ કરીને સગર્ભા મહિલાઓ અને દર્દીઓને ઈમરજન્સીમાં હોસ્પિટલ પહોંચવા માટે ખાટલામાં બેસાડી ધસમસતા પાણીમાંથી પસાર કરવામાં આવે છે, જે ખૂબ જોખમી છે. નદીના પ્રવાહમાં અનેક પશુઓ પણ તણાઈ ગયા હોવાના બનાવો બન્યા છે.રૂપેણ નદી પરનો માર્ગ ગીર ગઢડા, કોડીનાર અને ઉના તાલુકાના ગામો જેવા કે ઝાંજરીયા, બોડીદર, સોનપરા, આલિદર, ધ્રાબાવડ, આંબાવડ, કરેણી, સિમાસી અને ઉનાને જોડે છે. પરંતુ, નદીમાં પાણીનો પ્રવાહ હોય ત્યારે આ માર્ગ પર અવરજવર થઈ શકતી નથી.ગામના પૂર્વ સરપંચ, સરપંચ અને ગ્રામજનોએ ધારાસભ્ય, સાંસદ અને જિલ્લા તંત્રને અનેક વખત લેખિત રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી પુલ બનાવવા માટે કોઈ નક્કર પગલાં લેવાયા નથી. ગ્રામજનોની માંગ છે કે રૂપેણ નદી પર તાત્કાલિક પુલ બનાવવામાં આવે, જેથી ખેડૂતો, વિદ્યાર્થીઓ અને ગામલોકોની મુશ્કેલીઓ દૂર થાય. આ સાથે, જો આગામી દિવસોમાં પુલ બનાવવાની કામગીરી શરૂ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.
94
previous post

