25
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહેતો એક રત્નકલાકાર ગે ડેટિંગ એપ દ્વારા બદમાશોના સંપર્કમાં આવી ગયો હતો. ગે સમજીને બદમાશો સાથે ચેટિંગ દરમિયાન તેમના દ્વારા તેને બોલાવવામાં આવતા સમલૈંગિક સંબંધ માણવાના ઇરાદે વરાછા મારુતિ ચોક ખાતે પહોંચી ગયો હતો. જ્યાં બદમાશોએ તેને ચપ્પુ બતાવી ડરાવી એક રૂમમાં લઈ ગયા હતા અને તેને મારમારી અને બદનામ કરવાની ધમકીઓ આપી તેની પાસેથી ઓનલાઈન રૂ.5 હજાર અને મોબાઇલ તથા તેની બાઈક લૂંટી ફરાર થઇ ગયા હતા. જોકે પોલીસે આ બનાવને ગંભીરતાથી લઈને બે બદમાશોની ધરપકડ કરી લીધી છે. વરાછા પોલીસે આરોપીઓ અર્શીત નાજાભાઈ સાખંટ અને દીપેન હીતેશભાઈ રાઠોડની ધરપકડ કરી છે. આ સમગ્ર બનાવની વિગત એવી છે કે શહેરના કતારગામ વિસ્તારમાં રહેતો રત્નકલાકાર થોડા દિવસો પહેલા ગે એપ મારફતે અજાણ્યા ઈસમોના સંપર્કમાં આવ્યો હતો અને તેમની સાથે ચેટિંગ કરતો હતો. દરમિયાન ગત તારીખ 18 ઑગસ્ટની રાત્રે આરોપીઓએ તેને વરાછા મારૂતિ ચોક પાસે આવેલા ગોપાલ શૂઝ પાસે બોલાવ્યો હતો. જેથી યુવક મળવા માટે ત્યાં પહોંચ્યો હતો. ત્યારે ત્યાં અજાણ્યા ઈસમો ધસી આવ્યા હતા અને તેને ચપ્પુથી ડરાવી ધમકાવી એક મકાનના ચોથા માળે લઈ ગયા હતા અને ત્યાં તેની પાસે 50,000 માગ્યા હતા. પૈસા નહીં આપતા બદમાશોએ તેનો વીડિયો ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી માર માર્યો હતો.ગભરાયેલા યુવક પાસેથી આરોપીઓએ તેના જ મોબાઈલનો ઉપયોગ કરી ગુગલ પે મારફતે રૂ. 5000 ટ્રાન્સફર કરી લીધા હતા. બાદમાં તેનો રૂ. 8000નો મોબાઈલ અને રૂ. 80000ની કિંમતની બાઈક છીનવી લીધી હતી. અને કહ્યું હતું કે પૈસાની વ્યવસ્થા કરીશ તો તારો ફોન અને બાઈક પાછું લઈ જજે નહીં તો મારી નાંખીશ’ તેવી ધમકી આપી ત્રણેય બદમાશો સ્થળ પરથી ભાગી ગયા હતા. પોલીસે હાલમાં બે આરોપીઓની ધરપકડ કરી છે.

