સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના આરસોડિયા ગામ પાસે સાબરમતી નદી કિનારે પવિત્ર શ્રી સપ્તેશ્વર મહાદેવ મંદિર સ્થિત છે. અહીં આ વર્ષે શ્રાવણ માસ નિમિત્તે અનોખું “શિવ દર્શન” પ્રદર્શન યોજાયું. શ્રાવણ માસના પવિત્ર પર્વ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ 17 અને 18 ઓગસ્ટે બે દિવસ યોજવામાં આવ્યું છે. અમદાવાદના શિવભક્ત હસમુખભાઈ પટેલે છેલ્લા 22 વર્ષમાં બનાવેલી 600 જેટલી શિવ કલાકૃતિઓમાંથી પસંદ કરેલા 251 ચિત્રો અહીં પ્રદર્શિત કર્યા છે. માત્ર કાળો, લાલ અને સફેદ રંગ વડે તૈયાર થયેલી આ કૃતિઓમાં શિવ તાંડવ, ગંગા અવતરણ, ભસ્માસુર વધ, રાવણ સાથેના પ્રસંગો તેમજ દ્વાદશ જ્યોતિર્લિંગની કથાઓ જીવંત થઈ ઊભી રહી હતી. હસમુખભાઈ પટેલે કોઈ ઔપચારિક ચિત્રકળાની તાલીમ લીધા વગર ભગવાન શિવની કૃપાથી આ અભૂતપૂર્વ કલાકૃતિઓ સર્જી છે. રોજિંદા જીવનમાં પાન પાર્લર ચલાવતા હસમુખભાઈએ શિવને આરાધનાનો કેન્દ્ર બનાવી કલાની સાધના કરી છે. 2006માં સોમનાથ મહાદેવથી શરૂ કરાયેલી તેમની “શિવ દર્શન યાત્રા” 2017માં ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગે પૂર્ણ કરી હતી. ત્યારથી તેઓ ગુજરાતના પ્રાચીન મંદિરોમાં આવા પ્રદર્શન યોજી સમાજના છેવાડાના વ્યક્તિ સુધી શિવ ભક્તિ અને સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રદર્શન નિહાળવા સાબરકાંઠા ઉપરાંત અમદાવાદ, અરવલ્લી, રાજસ્થાન સહિત અનેક જિલ્લાઓમાંથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. કલાકૃતિઓ જોતા જ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા, ઘણા ભક્તોએ આ અલૌકિક દર્શનો પોતાના મોબાઈલમાં કેદ કરીને યાદગાર બનાવ્યા. યુવા, મહિલાઓ અને બાળકો માટે શિવના વિવિધ સ્વરૂપોની ઓળખાણ અને શિક્ષણ રૂપ અનુભવ આ પ્રદર્શન મારફતે મળ્યો. દર્શનાર્થીઓએ આ અનુભવને જીવનની ધન્યતા ગણાવી અને પોતાના જીવનમાં શિવને સ્થાન આપવા અપીલ પણ કરી. સપ્તેશ્વર મંદિરના પવિત્ર પટાંગણમાં યોજાયેલ આ શિવ દર્શન ભક્તિ, કલા અને પરંપરાનો અદભૂત સંગમ બની રહ્યો છે. ભક્તોના ઉત્તેજક પ્રતિસાદને જોતાં ભવિષ્યમાં આવા પ્રદર્શન વધુ ગામડાં અને ધાર્મિક સ્થાનોમાં યોજાય તો શિવ મહિમાનો વ્યાપ વધારે પ્રભાવશાળી રીતે પ્રસરી શકે છે. આ અનોખું પ્રદર્શન માત્ર કળાનું જ નહીં પરંતુ ભક્તિનું પણ પ્રતીક બની રહ્યું છે, જે ભક્તોના હૃદયમાં અવિસ્મરણીય છાપ મૂકી રહ્યું છે.
29

