શ્રાવણ માસ એટલે ભગવાન શિવની ભક્તિનો મહિનો. આ પવિત્ર મહિનામાં શિવભક્તો શિવાલયોમાં જઈને ભગવાન ભોળાનાથનો જળાભિષેક કરીને ધન્યતા અનુભવે છે. શ્રાવણના સોમવારનું વિશેષ મહત્વ હોવાથી, શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે. વાપીની નજીક આવેલા અને 5000 વર્ષનો ઐતિહાસિક મહત્વ ધરાવતા કુંતેશ્વર મહાદેવ મંદિરે પણ શ્રાવણના પ્રારંભથી જ ભક્તોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. આ મંદિરનો ઇતિહાસ શિવભક્તોની આસ્થા સાથે જોડાયેલો છે અને તેની મુલાકાત લેવી એક આધ્યાત્મિક અને ઐતિહાસિક અનુભવ બની રહે છે. સમગ્ર વાતાવરણને શિવમય બનાવી દે છે. મંદિરમાં ભજન-કીર્તન અને શિવ આરાધનાનો અખંડ પ્રવાહ ચાલુ રહે છે. મંદિર પરિસરમાં મેળો જેવો માહોલ સર્જાય છે, જેમાં પ્રસાદના સ્ટોલ, પૂજા સામગ્રીની દુકાનો અને નાસ્તાના સ્ટોલ જોવા મળે છે. બાળકો અને વડીલો સૌ કોઈ આ ધાર્મિક ઉત્સવમાં ભાગ લે છે.કુંતેશ્વર મહાદેવ મંદિર ફક્ત વાપી પૂરતું સીમિત નથી, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશોના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. સ્થાનિક લોકો માને છે કે આ મંદિરમાં સાચા મનથી પ્રાર્થના કરવાથી તેમની બધી મુશ્કેલીઓ દૂર થાય છે. તેઓ કહે છે કે આ શિવલિંગ સ્વયંભૂ છે અને તેની અસીમ શક્તિ છે. વર્ષોથી આ મંદિર શ્રદ્ધાળુઓ માટે એક આશ્રયસ્થાન અને શાંતિનું ધામ રહ્યું છે. ઘણા લોકો નિયમિત રીતે અહીં દર્શન કરવા આવે છે અને શિવના આશીર્વાદ મેળવે છે.દક્ષિણ ગુજરાત માં આ એક માત્ર મંદિર એવું છે જ્યાં એક જ ગર્ભ ગૃહમાં કુલ 9 શિવલિંગ આવેલા છે. જેમાં મહાભારત કાળમાં પાંડવો અજ્ઞાતવાસમાં હતા. તે દરમિયાન માતા કુંતાએ પોતાના હાથથી શિવલિંગની સ્થાપના કરી હતી. જે મુખ્ય શિવલિંગ છે જે અર્ધનારેશ્વર તરીકે ઓળખાય છે. જ્યારે તેની આસપાસમાં પાંડવો એટલે કે યુધિષ્ઠિર અર્જુન નકુલ સહદેવ ભીમ તેમજ દ્રોપદી દ્વારા સ્થાપિત શિવલિંગ છે તેમજ અન્ય એક શિવલિંગ ભગવાન કૃષ્ણ દ્વારા પણ સ્થાપિત કરવામાં આવ્યું હોવાનું મનાય છે. આમ એક જ ગર્ભગૃહમાં અહીં કુલ 9 શિવલિંગ આવેલા છે. જે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર મંદિરમાં જોવા મળે છે જેનો ભક્તોમાં આસ્થા અને આધ્યાત્મિકતાનો ભાવ ઉત્પન્ન કરે છે.શ્રાવણ માસના અંતિમ સોમવારે અને શિવરાત્રિના દિવસે કુંતેશ્વર મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા અને મહાઆરતીનું આયોજન થાય છે. આ દિવસોમાં ભક્તોની ભીડમાં અનેકગણો વધારો થાય છે. આ પવિત્ર મહિના દરમિયાન કુંતેશ્વર મહાદેવ મંદિર એક જીવંત અને આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર બની રહે છે, જ્યાં ભક્તોની આસ્થા અને પ્રાચીન ઇતિહાસનો અનોખો સંગમ જોવા મળે છે. આ શિવાલય માત્ર એક પૂજા સ્થળ નહીં, પરંતુ એક સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો છે, જે આવનારી પેઢીઓને પણ શ્રાવણનું મહત્વ સમજાવતો રહેશે.
27
previous post

