રાજ્યમાં વિરામ બાદ ફરીથી ચોમાસું સક્રિય થયું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 16 ઓગસ્ટ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના ગામોમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન કેવો વરસાદ રહેશે? આ લેખમાં વાંચો.હવામાન વિભાગ મુજબ, અરબ સાગરમાં અપર એરસાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે રાજ્યમાં આગામી અઠવાડિયે વરસાદી માહોલ રહેશે. આગાહી મુજબ, રાજ્યમાં આગામી 16 ઓગસ્ટ સુધી તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે છે.16 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહિસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ તથા વલસાડમાં ઘણા બધા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ સુધી વરસાદ વરસી શકે છે.રાજ્યમાં આજે વરસેલા વરસાદની વાત કરીએ તો વલસાડમાં સવારે 6થી સાંજના 4 વાગ્યા સુધીમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. પારડીમાં 3.94 ઈંચ, ઉમરગામમાં 2.36 ઈંચ, વાપીમાં 2 ઈંચ, ચીખલીમાં 1.65 ઈંચ, છોટા ઉદેપુરમાં 0.91 ઈંચ, વંથલીમાં 0.87 ઈંચ, ગણદેવીમાં 0.79 ઈંચ વરસાદ પડ્યો હતો.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો હતો. રાજ્યમાં આ સીઝનમાં પડેલા વરસાદની વાત કરીએ તો 10 ઓગસ્ટની સ્થિતિએ 64 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં સીઝનનો 68 ટકા વરસાદ પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 56 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં સીઝનનો 65 ટકા, ઉત્તર ગુજરાતમાં 66 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 66 ટકા નોંધાયો છે.
44
previous post

