સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રામજી મંદિર ઓવારા નજીક આવેલા એક જૈન દેરાસરમાં ચોરીનો અનોખો બનાવ સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ચોરોએ મુખ્ય દરવાજાને બદલે દેરાસરના નકશીકામમાં બનેલા મોરની ડિઝાઇનને તોડી, માત્ર અડધો ફૂટની નાની જગ્યામાંથી પ્રવેશ કર્યો હતો. તેમણે દાનપેટીમાંથી રોકડ અને ભગવાનની મૂર્તિ પરથી ચાંદીના ચક્ષુની પાંપણની ચોરી કરી ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે અડાજણ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આ ચોરીની ઘટના રાત્રે 2:48 વાગ્યે બની હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે બે ચોર દેરાસરમાં પ્રવેશે છે. આશ્ચર્યજનક રીતે, તેઓએ મુખ્ય દરવાજાને અવગણી, દેરાસરના નકશીકામમાં બનેલા મોરની ડિઝાઇનને તોડી અડધો ફૂટની નાની જગ્યામાંથી અંદર ઘૂસ્યા. એક ચોરે પ્રવેશ કર્યા બાદ પોતાનો નકાબ ઊંચો કર્યો અને બીજા ચોર માટે દરવાજો ખોલ્યો. આ અનોખી ચોરીની પદ્ધતિથી પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ છે.દેરાસરમાં પ્રવેશ્યા બાદ ચોરોએ સૌપ્રથમ દાનપેટી તોડી અને તેમાંથી રોકડ રૂપિયા ચોર્યા. ત્યારબાદ, તેઓએ ભગવાનની મૂર્તિ પરથી ચાંદીના ચક્ષુની પાંપણ પણ ચોરી લીધી. સીસીટીવી ફૂટેજમાં ચોરોના હાથમાં રોડ અને ચોરાયેલા રૂપિયા જોવા મળે છે. પોલીસના પ્રાથમિક અંદાજ મુજબ, લગભગ 70,000 રૂપિયાથી વધુની માલમત્તાની ચોરી થઈ છે. આ ઘટનાથી જૈન સમાજ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે.આ મામલે દેરાસરના ટ્રસ્ટીઓએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને ચોરોની ઓળખ અને ધરપકડ માટે તપાસ શરૂ કરી છે. જોકે, સીસીટીવીમાં ચોરોના ચહેરા સ્પષ્ટ દેખાતા ન હોવાથી, પોલીસ આસપાસના અન્ય સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી છે. આ ઘટના બાદ પોલીસે ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા માટે પગલાં લેવાનું શરૂ કર્યું છે. સ્થાનિક લોકોએ આરોપીઓને ઝડપથી પકડવા પોલીસને અપીલ કરી છે.
96
previous post

