સજા પૂરી થઈ છતાં કેદીનો બે મહિના વધુ જેલવાસ: ગુજરાત હાઈકોર્ટનો જેલ અધિકારીઓ પર કડક અભિગમ, રૂ. 50,000 વળતર ચુકવવાનો હુકમ

by chanchal bhuj bhuj
0 comments

અમદાવાદ, 2 ઑગસ્ટ – ત્રણ જુદા જુદા કેસોમાં તમામ સજા પૂર્ણ કરી ચૂક્યા બાદ પણ એક કેદીને વડોદરા જેલ સત્તાવાળાઓની ગણતરીમાં થયેલી ગંભીર ભૂલના કારણે બે મહિના વધુ જેલમાં રહેવું પડ્યું. આ ગંભીર અનિયમિતતાને ગુજરાત હાઈકોર્ટએ અતિ ગંભીર ગણાવી જેલ અધિકારીઓ પર સીધો વલણ દાખવ્યું છે.

જસ્ટિસ હસમુખ ડી. સુથારની ખંડપીઠે વડોદરા જેલના એસપી ઉષા રાડા, જેલર એન.જે. પરમાર અને એન.જી. પરીખને વર્ચ્યુઅલ રીતે કોર્ટમાં હાજર રાખ્યા હતા, જ્યારે ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ એમ.ડી. ચૌધરી, સિનિયર જેલર વી.ડી. બારિયા અને સિનિયર કલાર્ક સંજય મોહિતને રૂબરૂ હાજર રાખવામાં આવ્યા હતા.

કોર્ટ રૂમમાં ગઇકાલે જેલ સત્તાવાળાઓના વલણ અંગે કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કર્યા બાદ આજે હાઈકોર્ટે કેદીને બે મહિના વધુ જેલમાં રાખવાના નુકસાની બદલ રૂ. 50,000નું વળતર ચૂકવવાનો હુકમ આપ્યો. આ રકમ સીધી કેદીના ખાતામાં જમા કરાવવાનું વડોદરા જેલના સુપરિટેન્ડન્ટને નિર્દેશ આપતા હાઈકોર્ટએ જણાવ્યું કે આ રકમ જેલ અધિકારીઓએ પોતાની ખિસ્સેથી ચૂકવવી પડશે.

સાથે જ હાઈકોર્ટે મહત્વનો નિર્દેશ આપ્યો છે કે ભવિષ્યમાં ન્યાયિક અધિકારીઓ જ્યારે જેલ મુલાકાતે જાય ત્યારે તેઓ જેલના રેકોર્ડનું નિરીક્ષણ obઅને કેદીની સજા અંગે તપાસ કરે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. કોઈપણ કેદી સજા પૂરી કર્યા બાદ એક મિનિટ માટે પણ ખોટી રીતે જેલમાં ન રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

આ નિર્ણયમાં હાઈકોર્ટે અધિકારીઓની બેદરકારીને “ગંભીર, સંવેદનશીલ અને માર્મિક” વિષય તરીકે વણી કાઢ્યો હતો અને જેલ વ્યવસ્થામાં સુધારાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

You may also like

Leave a Comment