RBL બેંકના 8 કર્મીઓ 1550 કરોડના સાયબર ફ્રોડમાં સંડોવાયા

by JAYENDRA UPADHYAY
0 comments

સુરત શહેરને હચમચાવી નાખનારા ₹1550 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ઉધના પોલીસે આખરે મોટી કાર્યવાહી કરી છે. RBL બેંકની સુરત શહેરની ત્રણ શાખાઓ – સહારા દરવાજા, બેસુ અને વરાછાના કુલ આઠ બેંક કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ બાદ કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસને સુરતના 164 કરંટ બેંક એકાઉન્ટમાં દેશભરનાં 50 લાખથી વધુ બેંક ખાતામાંથી થયેલા ટ્રાન્ઝેક્શન મળ્યાં છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ધરપકડ કરાયેલા આઠેય બેંક કર્મચારીઓની આ સમગ્ર ફ્રોડમાં કરંટ એકાઉન્ટ ખોલી આપવા બાબતે સીધી સંડોવણી હતી. ડીસીપી ભગીરથ ગઢવીએ આપેલી માહિતી મુજબ, આ કર્મચારીઓ જાણતા હતા કે આરોપીઓ “ખોટા સેટઅપ” બનાવીને ખોટી રીતે કરંટ એકાઉન્ટ મેળવવા માગે છે. તેમ છતાં, તેઓ આરોપીઓ સાથે સીધા સંપર્કમાં રહીને નિયમોને નેવે મૂકીને ખોટા કરંટ એકાઉન્ટ ખોલી આપતા હતા.પકડાયેલા બેંક કર્મચારીઓમાં અમિત ગુપ્તા (એરિયા હેડ) અને અરુણ ઘોઘારી (વરાછા શાખાના OS) મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યા છે. તેમની સાથે નરેશ માનાણી, કલ્પેશ કથીરિયા, કલ્પેશ કાકડીયા, મેન્સી ગોટી, આશિષ ઘડિયા અને અનિલ જાનીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ તમામ કર્મચારીઓએ આ પ્રકારના કરંટ એકાઉન્ટ ખોલી આપવા માટે ₹20 હજારથી લઈને ₹2 લાખ સુધીનો મોનેટરી બેનિફિટ મેળવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે.પોલીસ દ્વારા કરાયેલા ખુલાસા મુજબ, આ કૌભાંડમાં કુલ 164 કરંટ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં ₹1550 કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે. આનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે, આ વ્યવહારો દેશભરના 50 લાખથી પણ વધુ સેવિંગ અને કરંટ એકાઉન્ટમાંથી કરવામાં આવ્યા હતા. આ ટ્રાન્ઝેક્શન ₹100થી લઈને લાખો રૂપિયા સુધીના હતા. પોલીસે જણાવ્યું છે કે, આ તમામ ટ્રાન્ઝેક્શન સટ્ટાબાજી (બેટિંગ), ગેમિંગ અને સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા હતા.ડીસીપી ભગીરથ ગઢવીએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, કરંટ એકાઉન્ટ ખોલવામાં જો કોઈ પ્રક્રિયામાં ખામી કે ભૂલ આવતી, તો આ બેંક કર્મચારીઓ સામેથી મુખ્ય આરોપીઓને તેનું નિદાન આપતા હતા અને તેમની પાસેથી સુધારા કરાવી લેતા હતા. એકાઉન્ટ સંપૂર્ણ થયા પછી તેની સંપૂર્ણ વિગતો પણ તેઓ આરોપીઓને પૂરી પાડતા હતા. મુખ્ય આરોપીઓ જેમાં કિરાત જાદવાણી, દિવ્યેશ અને વૃંદાનો સમાવેશ થાય છે, તેઓ બેંક કર્મચારીઓ સાથે નિયમિતપણે ચેટ દ્વારા સંપર્કમાં રહેતા હતા. આ ચેટ્સમાં તેઓ દસ્તાવેજોની આપ-લે કરતા, ભૂલ સુધારવા અંગે ચર્ચા કરતા અને ઘણીવાર તો કોઈ “લીડ” ન મળી હોય તેમ છતાં બેંક કર્મચારીઓ એકાઉન્ટની પ્રક્રિયા પૂરી કરી દેતા હતા.આરોપીઓ દ્વારા કરંટ એકાઉન્ટ મેળવવા માટે આખું ટેક્સટાઇલ માર્કેટ અને દુકાનનો “સેટઅપ” બનાવવામાં આવતો હતો. ત્યારબાદ તેઓ બેંક કર્મચારીઓને ત્યાં બોલાવીને ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવતા હતા. બેંક કર્મચારીઓ જાણતા હતા કે, આ સેટઅપ ગણતરીના દિવસોમાં માત્ર એકાઉન્ટ ખોલાવવા માટે જ બનાવવામાં આવ્યો છે, તેમ છતાં તેઓ ત્યાં જઈને ફોર્મલ પ્રોસિજર કરતા અને કરંટ એકાઉન્ટ ખોલી આપતા હતા. ઉધના પોલીસને આવા ઘણા પુરાવા મળ્યા છે.ડીસીપી ભગીરથ ગઢવીએ વધુમાં જણાવ્યું કે, શરૂઆતમાં 164 બેંક એકાઉન્ટ અને ₹1550 કરોડના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા હતા. મની ટ્રેલના ઇન્વેસ્ટિગેશન માટે ફાયનાન્સિયલ એક્સપર્ટ્સની મદદ લેવામાં આવી છે. આ તપાસમાં 50 લાખથી વધુ સેવિંગ એકાઉન્ટનો આંકડો સામે આવ્યો છે. પોલીસ આ 50 લાખ ખાતાઓને વધુ ફિલ્ટર કરી રહી છે, જેમાં કેટલા સામાન્ય છે અને કેટલા અંદરોઅંદર ટ્રાન્ઝેક્શન થયા છે તેની વિસ્તૃત તપાસ ચાલી રહી છે. આ માટે એક અલગ યુનિટ પણ કાર્યરત છે અને પોલીસને વધુ ખુલાસા મળવાની આશા છે. આ ધરપકડથી સાયબર ક્રાઇમના આ મોટા નેટવર્કમાં બેંકિંગ ક્ષેત્રના ભ્રષ્ટ તત્વોની ભૂમિકા સ્પષ્ટ થઈ છે. આ તપાસના અંતે વધુ મોટા ખુલાસાઓ થવાની સંભાવના છે.

You may also like

Leave a Comment