ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલા અંકલેશ્વર-વાલિયા રોડ પરના કોસમડી ગામમાં માત્ર 1.5 ઈંચ વરસાદને કારણે સિદ્ધિ વિનાયક સોસાયટીમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. પાણીની અતિશય ભરાવાને કારણે લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા અને જેના પરિણામે લોકોને કફોડી હાલતમાં મુકાવવું પડ્યું.સોસાયટીના મુખ્ય માર્ગ પર ઘૂંટણ સમા પાણી ભરાઈ જતાં લોકોની અવર-જવર મુશ્કેલ બની. ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી, ફર્નિચર, ઈલેક્ટ્રોનિક સાધનો સહિતના વસ્તુઓને પણ નુકસાન પહોંચ્યું છે.જ્યારે કેટલાક ઘરોમાં બાળકોના પુસ્તકો અને સ્કૂલબેગ પણ પાણીમાં ભીંજાઈ જતા અભ્યાસકાર્ય અસરગ્રસ્ત બન્યું છે.નિકેશ યાદવ નામના એક સ્થાનિકે આ વિશે જણાવ્યું હતું કે, દર વર્ષે આમ જ થાય છે, નાળા અને ગટર યોગ્ય રીતે સફાઈ ન થતાં વરસાદી પાણી ઉભરાઈને ઘરમાં ઘૂસી જાય છે. તંત્ર દ્વારા વર્ષોથી માત્ર ખુલ્લા વચનો આપવામાં આવ્યા છે.આયુષી નામની એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, અહીં પાણીના કારણે સ્કૂલ ન જઈ શકી, પુસ્તક અને નોટબુક બધું પલળી ગયું છે. ભય લાગે છે કે વધુ વરસાદ પડ્યો તો શું થશે.ઉપેન્દ્ર યાદવ નામના વધુ એક સ્થાનિકે કહ્યું કે, સોસાયટીની નજીકનો નાળો સાફ ન થવાથી પાણી પાછું ફરી જાય છે. દર વર્ષે આવી જ હાલત થાય છે. તંત્ર ક્યારેય યોગ્ય વ્યવસ્થા નથી કરતું.બ્રિજભૂષણ તિવારી નામના સ્થાનિકે ઉમેર્યુ કે ગટરનું ગંદું પાણી પણ વરસાદી પાણીમાં ભળી જાય છે, જેના કારણે બીમારી ફેલાય એવી સ્થિતિ છે. બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર અસર થાય તે પહેલાં તંત્રએ જાગવું જોઈએ.માત્ર સોસાયટી જ નહિં, પણ અંકલેશ્વરથી બુરહાનપુર હાઈવે પર આવેલા કોસમડી ગામ પાસે પણ પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. મોટરસાઈકલ અને ટુ-વ્હીલર ચાલકો ખાસ કરીને ખાડા ભરેલા રસ્તામાં પાણીના પગલે અસંતુલિત થઇ જતા જોખમમાં મુકાયા હતા.સ્થાનિકોની માનીયે તો છેલ્લા અનેક વર્ષોથી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા હાથ ધરવામાં આવી નથી. નાળા અને ગટર લાઈનો ફરી વાર ભરાઈ જાય છે અને તેના કારણે હળવો વરસાદ પણ આફત બની જાય છે. અનેક વખત તંત્રને રજૂઆત છતાં કોઈ કાયદેસર અને કાયમી ઉપાય હાથ ધરવામાં આવ્યો નથી.
25

