સસ્તુ સોનુ ખરીદવા માટે લાલચમાં ફસાયા

by JAYENDRA UPADHYAY
0 comments

કોઈ અજાણ્યા વ્યક્તિ પાસેથી સોનાના સિક્કા ખરીદતા પૂર્વે રાખજો સાવધાની નહીંતર તમે પણ બની જશો કોઈ મોટી છેતરપિંડીનો ભોગ, અમરેલી પોલીસે આ જ રીતે સોનાના સિક્કા વહેંચીને લોકો સાથે છેતરપિંડી કરતા ત્રણ ઈસમોને પકડી પાડીને તેમની પાસેથી 9 લાખ 38 હજાર કરતા વધુની રોકડ અને મુદ્દામાલ કબજે કર્યો છે. માધવપુરના વનીતાબેન ચૌહાણ છેતરપિંડી કરનાર ટોળકીનો શિકાર બન્યા હતા. જેની ફરિયાદને પગલે પોલીસે ત્રણ ઇસમોની અટકાયત કરી છે.કહેવાય છે ને કે લાલચ કોઈ મોટી નુકસાનીને નોતરું આપતો હોય છે. આવો જ એક કિસ્સો પોરબંદર જિલ્લાના માધુપુર ગામના વનિતાબેન ચૌહાણ સાથે થયો છે. મૂળ જૂનાગઢના ત્રણ ઈસમો દ્વારા વનિતાબેન ચૌહાણને પહેલા સોનાનો અસલી સિક્કો વહેંચીને તેમની પાસે આવા અઢળક સિક્કાઓ છે, તેવી લાલચમાં ફસાવીને આ મહિલા પાસેથી 10 લાખ કરતાં વધારેની છેતરપિંડી કરીને ફરાર થઈ ગયા હતા. ફરિયાદી માધવપુરના વનિતાબેન ચૌહાણની 26 જુન ના રોજ ધારી પોલીસ મથકમાં નોંધાયેલી પોલીસ ફરિયાદને પગલે આજે પોલીસે જુનાગઢના દિનેશ સોલંકી ઈશ્વર વાઘેલા અને આસિફ નામના ત્રણ આરોપીને પકડી પાડ્યા છે. સમગ્ર છેતરપિંડીમાં હજુ રાજુ સોલંકી મોહન વાઘેલા અને ગોવિંદ રાઠોડ અને નઝીર બાનવા પોલીસ ચોપડે ફરાર દર્શાવવામાં આવ્યા છે. જેને પકડી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસ પકડમાં રહેલા ત્રણ અને ફરાર ચાર આરોપીઓ કોઈપણ વ્યક્તિને પોતાની માયાજાળમાં ફસાવવા માટે સૌ પહેલા ખૂબ ઓછી કિંમતે અસલી સોનાનો સિક્કો વહેંચીને તેને ખૂબ જ વિશ્વાસમાં લેતા હતા. તમામ આરોપીઓ પોતાના શિકારને વિશ્વાસમાં ફસાવીને અલગ અલગ જગ્યા પર બોલાવીને તેને નકલી સોનાના સિક્કાઓ વહેંચીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે. આજથી એકાદ મહિના પહેલા ઉપલેટા જુનાગઢ રૂટની સરકારી બસમાં દિલીપ સોલંકી અને ઈશ્વર સોલંકીએ એક વ્યક્તિને આ જ પ્રકારે સસ્તા ભાવે સોનાનો સિક્કો આપવાની લાલચ આપીને તેને જુનાગઢ બોલાવીને આ જ રીતે છેતરપિંડી કરી હતી. તેનો સ્વીકાર સ્વયંમ પોલીસ પકડમાં રહેલા બંને આરોપીઓએ કરી છે.પોલીસે ત્રણેય આરોપીને પકડી પાડ્યા બાદ તેની પાસેથી 6,40,000 રોકડા એક સોનાનો સિક્કો અને 543 ધાતુના અન્ય સિક્કા કે જે લોકોને છેતરપિંડી કરીને વેચવામાં આવતા હતા, તેની સાથે ઓટો રીક્ષા અને મોબાઈલ મળીને કુલ 9,58,000નો મુદ્દામાલ કબજે કરીને ફરાર રાજેશ સોલંકી મોહન વાઘેલા ગોવિંદ રાઠોડ અને નઝીર બાનવાને પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

You may also like

Leave a Comment