ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બ્રીજની હાલત અંગે રિયાલિટી ચેક કરતા તાપી જિલ્લાના ડોલવણથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 56 પર પુર્ણા નદી પર બનેલા બ્રીજની હાલત ગંભીર હોવાના દ્ર્શ્યો સામે આવ્યા છે. જે બ્રિજ પર એક છેડે મસમોટા ખાડા પડી જતા વાહનચાલકો ભયના ઓથાર તળે વાહન હંકારવા મજબૂર બન્યા છે.તાપી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 56 વાપી સમદાજી માર્ગ પર ડોલવણ તાલુકાના વાંકલા ગામની સીમમાં આવેલ બ્રિજ પરથી વાહનચાલકો પસાર થવા પેહલા વિચાર કરે છે. કારણ કે આ બ્રિજ પર પડેલા બે બે ફૂટના ખાડાને લઈ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તો વધુ ભય તેમને સતાવી રહ્યો છે, ત્યારે રિયાલિટી ચેક દરમ્યાન મસમોટા ખાડા તમને કહી દેશે કે નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી કેટલી છે. વહેલી તકે મરામત કરવામાં આવે એવી માંગ વાહનચાલકો અને સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે.આ માર્ગ વ્યારાથી સીધો ઉનાઈ થઈને સાપુતારા અને નાસિકને જોડતો માર્ગ છે. જેને લઇને આ પુલ પરથી દિવસ દરમિયાન હજારો ગાડીઓ પસાર થતી હોય છે. એક બે – બે ફૂટ જેટલા પડેલા ઊંડા ખાડાઓ રાહદારીઓ માટે મુસીબત બન્યા છે.ખાડાઓને લઈને વાહન વ્યવહાર પર સીધી અસર જોવા મળી રહી છે. મોટા ખાડાઓને લઈને વાહન ચાલકો અચાનક બ્રેક મારવા પર મજબૂર બન્યા છે. કોઈ મોટી દુર્ઘટના પણ થઈ શકે છે. બીજી તરફ ટુ વ્હીલર વાહન ચાલકો રાત્રિ દરમિયાન આ ખાડાઓનો મોટે ભાગે ભોગ બનતા હોય છે. પરંતુ હાલની પરિસ્થિતી મુજબ નાના મોટા વાહનો રાત્રિ દરમિયાન પૂર ઝડપે આ ખાડાઓમાં પટકાઈ તો મોટી દુર્ઘટના થઈ શકે છે. તંત્ર એ રોડ તો નથી જ સુધાર્યો અને રસ્તો ખરાબ હોવાના બોર્ડ પણ ક્યાંય માર્યા ન હોવાથી રાહદારી સીધો ભોગ બની રહ્યા છે.ખાડાઓને લઈને વાહનચાલક નિલેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર કે વાપી થી લોકો આવતા હોય છે. તેના માટે આ અગત્યનો પુલ છે. આ પુલ હાલ જર્જરિત હાલતમાં છે. બે-બે ફૂટના ખાડા પડ્યા છે. જો આ પુલ તાત્કાલિક ધોરણે રિપેર ન કરવામાં આવે મોટી દુર્ઘટના થાય તો દુર્ઘટનાની તમામ જવાબદારી ચૂંટાયેલા ધારાસભ્યો અને સરકારની રહેશે અને ઉગ્ર આંદોલન પણ થશે. મારી વિનંતી છે કે, આ પુલનું તાત્કાલિક મરમ્મત કામ શરૂ કરવામાં આવે.
27

