ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે ઋતુજન્ય રોગચાળાની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને દાહોદ અને પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ “સેન્ડ ફ્લાય” નામની માખીથી થતી વાઇરસજન્ય બીમારીઓએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે.સયાજી હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગના હેડ ડૉ. ઓમપ્રકાશ શુક્લના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં દાહોદ અને પંચમહાલમાંથી 15 જેટલા બાળકોને ગંભીર તબિયત સાથે સારવાર માટે લાવવામાં આવ્યા છે. જેમાંથી 8 બાળકોના મોત થયા છે, જ્યારે 3 બાળકો PICU પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં સારવાર હેઠળ છે. હાલમાં દરેક શંકાસ્પદ દર્દીના લોહીના નમૂનાઓ ગાંધીનગરના વાયરોલોજી લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તબીબોનું માનવું છે કે, રિપોર્ટ આવતા આ વાયરસ અંગે વધુ સ્પષ્ટતા થશે. “આ બાળકોમાં તાવ, માથાનો દુખાવો, ઉલટી-ઝાડા અને બેહોશ થવાની લક્ષણો જોવા મળ્યા છે. તપાસમાં જણાવાયું છે કે આ તમામ કેસો શંકાસ્પદ ‘એન્ટા ફ્લાઇટિસ’ વાયરસ સાથે જોડાયેલા હોવાનું મનાય છે, જે ‘સેન્ડ ફ્લાય’ માખી કરડવાથી ફેલાય છે. અમે તમામ બાળદર્દીઓનું સારવારમાં શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યાં છીએ. જો બાળકોમાં તાવ, ઉલટી, ઝાડા, બેહોશી કે ખેંચ જેવી લક્ષણો જણાય, તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર લેવા માગીએ છીએ.”આ જીવાત ખાસ કરીને માટીના કાચા મકાનોમાં વધુ જોવા મળે છે. આ જીવાત લોહી ચૂસતી હોય છે. તેના કરડવાથી વાયરસ શરીરમાં પ્રવેશી શકે છે. દર્દીઓને સમયસર સારવાર ન મળે તો મૃત્યુ પણ થવાનું જોખમ રહે છે. શહેરના આરોગ્ય વિભાગ દ્વારા ડોર-ટુ-ડોર ચકાસણી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. લોકોમાં જાગૃતિ લાવવા મકાનમાલિકો સાથે સંપર્ક સાધી ઘરો અને આસપાસના વિસ્તારોમાં સાફસફાઈ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.માત્ર દાહોદ અને પંચમહાલ જ નહીં, પણ વડોદરા શહેરમાં પણ ઋતુજન્ય રોગચાળો વધી રહ્યો છે. સયાજી હોસ્પિટલના 10 તબીબો શંકાસ્પદ ડેન્ગ્યુ તાવથી પીડાય છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પણ સામાન્ય તાવ, શરદી, ઝાડા અને ઉલટીની ઘણી ફરિયાદો મળી રહી છે. ઋતુજન્ય રોગચાળાને ધ્યાનમાં રાખીને માતા-પિતાએ બાળકોના આરોગ્ય પર ખાસ નજર રાખવી જરૂરી છે. ખાસ કરીને કાચા મકાનમાં રહેતા લોકો માટે આ સમયસીમા વધુ જોખમકારક છે. કોઈપણ તકલીફ જણાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવી જોઈએ.
41

