ગુજરાતના દરેક જીલ્લાની તૈયારીઓ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યમંત્રી મંડળની બેઠક

by JAYENDRA UPADHYAY
0 comments

મોકડ્રિલ અન્વયે તમામ મંત્રીશ્રીઓ અને પ્રભારી સચિવશ્રીઓ સંબંધિત જિલ્લા તંત્રનું માર્ગદર્શન કરીને મોકડ્રિલની સફળતા સુનિશ્ચિત કરે તે માટેની સૂચના આપવામાં આવી
———-
સામાન્ય નાગરિકોમાં કોઈ ગભરાટ કે દહેશત ન ફેલાય તે સુનિશ્ચિત કરવા માટે પ્રભારી મંત્રીશ્રીઓ-પ્રભારી સચિવશ્રીઓ પોતાના જિલ્લાઓમાં સંકલન કરે
———-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના દિશાનિર્દેશ અનુસાર યોજાનારી મોકડ્રિલ અન્વયે તમામ મંત્રીશ્રીઓ અને પ્રભારી સચિવશ્રીઓ સંબંધિત જિલ્લા તંત્રનું માર્ગદર્શન કરે તે માટેની સમીક્ષા હાથ ધરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ મંત્રીમંડળના સૌ મંત્રીશ્રીઓને તેમને જિલ્લા પ્રભારી તરીકે સોંપવામાં આવેલા જિલ્લાઓમાં આ મોકડ્રિલના અનુસંધાને તંત્રની સજ્જતા અને મોકડ્રિલ સંદર્ભે હાથ ધરાયેલી કામગીરીના રિવ્યૂ કરવા માટે પણ સૂચન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ સામાન્ય નાગરિકોમાં આ મોકડ્રિલને લઈને કોઈ ગભરાટ કે દહેશત ન ફેલાય અને આ મોકડ્રિલ એ માત્ર સુરક્ષા-સલામતીના ઉપાયોની સતર્કતાની જાણકારી માટે હાથ ધરાઈ રહી છે તેની સંબંધિત જિલ્લામાં ખાતરી કરવા પણ પ્રભારી મંત્રીશ્રીઓ-પ્રભારી સચિવશ્રીઓને મંત્રીમંડળની બેઠકમાં દિશાનિર્દેશો આપ્યાં હતા.

રાજ્યમાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં નાગરિકોએ રાખવાની થતી તૈયારીઓની પણ સમીક્ષા અને ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

તદઅનુસાર, બ્લેકઆઉટ માટેની તૈયારી અંતર્ગત ઘરની બારીઓને જાડા પડદા અથવા પૂંઠાથી ઢાંકવા, એલર્ટ દરમિયાન ઘરની અંદરની અને બહારની લાઇટ બંધ રાખવી, બારી નજીક મોબાઇલ ફોન તેમજ પ્રકાશ ફેલાવતા ઉપકરણોનો ઉપયોગ કરવાનું ટાળવું જેવી બાબતો અંગે વિચારણા થઈ હતી.

રાજ્ય મંત્રીમંડળની આ બેઠકે સેના અને સુરક્ષાદળોએ સફળતાપૂર્વક પાર પાડેલા ‘ઓપરેશન સિંદૂર’ માટે સમગ્ર ગુજરાત વતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સુરક્ષા દળોને અભિનંદન પાઠવ્યા હતા..

You may also like

Leave a Comment