Breaking News

કચ્છની વિકટ પરીસ્થિતિમાં સમીક્ષા માટે મંત્રી પ્રફુલ પાનશેરીયા કચ્છ પહોંચ્યા, વહીવટીતંત્ર સાથે બેઠકોનો દોર

કચ્છના જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે કચ્છ જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને વહીવટીતંત્ર સાથે તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જિલ્લા સમગ્રતયા પરિસ્થિતિનો ખ્યાલ પ્રભારીમંત્રીશ્રીને આપ્યો હતો.
પ્રભારીમંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ અને રાહત બચાવની કામગીરી અંગે પ્રાંત અધિકારીશ્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરીને પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. પ્રભારીમંત્રીશ્રીએ વરસાદના લીધે તૂટેલા રોડ રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરવા, જરૂરિયાત મુજબ સ્થળાંતર કરવા, વીજ પુરવઠાનું સ્થાપન કરવા, ફૂડ પેકેટ તૈયાર કરવા, પાણી વિતરણ વ્યવસ્થા જાળવી, આરોગ્ય સુવિધાઓ અને વરસાદ બાદ યોગ્ય સાફ સફાઈ, જાહેર પરિવહન સેવા શરૂ કરવા સહિતની સૂચનાઓ આપી હતી.
પ્રભારીમંત્રીશ્રીએ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા કચ્છ જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ રહેવા સૂચના આપી હતી. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા સતત પરિસ્થિતિનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે અને તમામ મદદની આપવામાં આવી છે તેમ પ્રભારીમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. માંડવી, મુન્દ્રા, લખપત અને અબડાસા વિસ્તારોમાં હજીપણ ભારે વરસાદની આગાહી હોય વહીવટીતંત્રને જરૂરી કામગીરી કરવા સૂચનાઓ આપીને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. જનજીવન સામાન્ય બને અને નાગરિકોને કોઈ મુશ્કેલી પડે નહીં એવું આયોજન કરવા સંબંધિત અધિકારીઓને પ્રભારીમંત્રીશ્રીએ તાકીદ કરી હતી. જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અને મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક નિયમન કરવા પ્રભારીમંત્રીશ્રીએ પોલીસ અધિક્ષકશ્રીને સૂચના આપી હતી.
    કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા અને કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ કચ્છ જિલ્લાની કનેક્ટિવિટી રાજ્ય સાથે જોડાયેલી રહે એ બાબત ઉપર ભાર મૂકીને કામગીરી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં પ્રભારી મંત્રીશ્રીની સમક્ષ ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ પટેલ, શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ વિસ્તારવાઈઝ સતત પડી રહેલા વરસાદના લીધે ઉદ્ભવેલા પ્રશ્નોની રજૂઆત કરી હતી. અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદે ભુજ શહેરમાં વરસાદ બાદ રોગચાળો ફેલાય નહીં તે માટે આગોતરું આયોજન કરવા રજૂઆત કરી હતી.
   આ બેઠકમાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, ભુજ પ્રાંત અધિકારીશ્રી ડૉ.અનિલ જાદવ, માર્ગ અને મકાન વિભાગ રાજ્યના અધિક્ષક ઇજનેરશ્રી વી.એન.વાઘેલા, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના અધિક્ષક ઈજનેરશ્રી એમ.જે.ઠાકોર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અર્શી હાશ્મી સહિત જિલ્લાના વહીવટીતંત્ર ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તાલુકાકક્ષાએથી પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ અન્ય સંબંધિત તમામ વિભાગના અધિકારીશ્રીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

કચ્છની લોકસભા ચૂંટણીની જાણી અજાણીવાતો જાણો ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય પાસેથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?