વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં પશુપાલકોની ચિંતા કરી અનેક નવી યોજનાઓ અમલી કરી પશુપાલક સમાજને અનેક નવી ભેટો આપી છે. પશુઓનું વેક્સિનેશન, ઝડપી સારવાર માટે ૧૯૬૨ની એમ્બ્યુલન્સ સેવા, દૂધ ઉત્પાદનના ઊંચા ભાવ સહિતના પગલાના કારણે દેશના પશુપાલકો આર્થિક રીતે પગભર થયા છે તેવું આજરોજ આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ ૨૦૨૪ની ઉજવણી નિમિત્તે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન આયોજીત ભુજ ખાતે કચ્છ ઊંટ મહોત્સવનો પ્રારંભ કરાવતા મત્સ્ય ઉદ્યોગ, ડેરી અને પશુપાલન કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું.
ભુજ ખાતે યોજાયેલા કચ્છ ઊંટ મહોત્સવનો આરંભ કરાવતા કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી સંયુકત રાષ્ટ્ર સંઘે ગત વર્ષને મિલેટ વર્ષ જાહેર કર્યું હતું. જયારે આ વર્ષે આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ જાહેર કરાયું છે જે ગર્વની બાબત છે. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ પશુપાલકોને પશુના આરોગ્યની ચિંતાથી મુક્ત કર્યા છે. સંવેદનશીલ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં માલધારી સમાજ વધુ પગભર થયો છે. જેની ફળશ્રુતિ સ્વરૂપે જ કચ્છમાં ઊંટઉછેરના વ્યવસાયમાં નવયુવાનો જોડાયા છે. આવનારા સમયમાં બકરી-ઘેટાંના દૂધને ડેરીના માધ્યમથી ખરીદાય તેવા પ્રયાસો સરકાર દ્વારા કરાઇ રહ્યા છે. જે બકરી-ઘેટાંનું પાલન કરતા માલધારીઓ માટે આર્થિકરૂપે લાભકારક રહેશે.
તેમણે આ પ્રસંગે પશુઉછેરમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેનો લાભ લેવા પશુપાલકોને આહવાન કર્યું હતું. તેમણે કચ્છના ખારાઇ ઊંટના સંવર્ધન માટે સરકાર કટિબધ્ધ હોવાનું જણાવીને ઊંટના દૂધની પ્રોડકટને ખાદ્યાન્ન માટે મળેલી માન્યતા વડાપ્રધાનશ્રીને આભારી ગણાવીને દેશના અમૃતકાળમાં દરેક ક્ષેત્રની જેમ પશુપાલનક્ષેત્ર પણ વિકસી રહ્યું ગણાવીને તમામ પશુપાલકો તેમાં સહભાગી બને તેવી અપીલ કરી હતી
આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજય સરકાર પશુપાલકો માટે ચિંતિત છે. સરકારે પશુપાલકોના તમામ પ્રશ્નો અને રજૂઆતોના હકારાત્મક પ્રતિસાદ આપ્યા છે. ઊંટની વસતીમાં કચ્છ મોખરે છે ત્યારે સરકારની ચિંતાના કારણે જ હાલ ઊંટોની વસતીમાં વધારો થયો છે. ખારાઇ ઊંટને યોગ્ય સન્માન અને માન્યતા મળી છે. સૌ પ્રથમ દેશમાં કેમલ મિલ્ક ડેરી કચ્છમાં સ્થપાઇ છે અને તેના થકી ઊંટ ઉછેરકોને નવું બળ મળ્યું છે.
આ પ્રસંગે અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના દિશાનિર્દેશનમાં પશુપાલકોના લાભ માટે અનેક પગલા ભરવામાં આવ્યા છે. જેના કારણે કચ્છમાં ડેરીઉદ્યોગ ફુલ્યોફાલ્યો છે. ઊંટના પશુપાલકોને પણ હવે રોજગારીની તકો વધી છે. પશુઓની સારવારથી લઇને તેમના સ્વાસ્થ્ય માટે સરકાર કામગીરી કરી રહી છે. ત્યારે આવનારા સમયમાં પશુપાલનક્ષેત્ર નવી ઊંચાઇ મેળવશે.
અમૂલ ડેરીના વાઇસ ચેરમેનશ્રી વલમજીભાઇ હુંબલે જણાવ્યું હતું કે, કચ્છમાં ૧૨ હજાર ઊંટની વસતી છે. જેમાં ૩૦૦ થી ૪૦૦ દૂધઉત્પાદક કુંટુંબો છે. જેના થકી રૂ.૫૦ના ભાવે દૈનિક ૪ થી ૫ હજાર લીટર દૂધનું કલેકશન કરવામાં આવે છે અને રોજ રૂા.અઢીલાખનું ચૂકવણું માલધારીઓને કરાય છે. તેમણે પશુપાલકોની જરૂરીયાતને સરકારના સહયોગથી પુરી કરવા ખાત્રી આપી હતી.
આ પ્રસંગે કચ્છના કેમલ મિલ્ક પ્લાન્ટને ઓર્ગેનિક મિલ્ક પ્લાન્ટનું પ્રમાણપત્ર મળતા આ સન્માન કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે એનાયત કરાયું હતું. તેમજ કેમલ મિલ્ક અંગેના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ આશાભાઇ રબારીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
કાર્યક્રમમાં દેશનું સૌ પ્રથમ ડોન્કી બ્રિડર્સ એસોસીએશનનું રજિસ્ટ્રેશન થતા કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે રજિસ્ટ્રેશન સર્ટીફીકેટ માલધારીઓને સુપ્રત કરવામાં આવ્યું હતું. તેમજ ઊંટ પાલન વ્યવસાયમાં પરત આવેલા યુવા માલધારીઓનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે સાંસ્કૃતિક ઝાંખી અને ઝલક દર્શાવતી ઊંટ શોભાયાત્રાને લીલીઝંડી આપીને કેન્દ્રીય મંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઇ પટેલ, શ્રી માલતીબેન મહેશ્વરી, પૂર્વ રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિર, પૂર્વ ધારાસભ્યશ્રી રમેશભાઇ મહેશ્વરી, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેનશ્રી મશરૂભાઇ રબારી, તાલુકા પંચાયત સદસ્યશ્રી આંબાભાઇ રબારી, સોનાભાઇ રબારી, સૌરભ શાહ, સંદીપ વીરમાણી, જીતુભાઇ, કવિ આલ, વિશ્રામભાઇ રાબડીયા, સાલેમામદ હાલેપૌત્રા જિલ્લા પશુપાલન અધિકારીશ્રી હરેશ ઠક્કર સહિતના આગેવાનો તથા મોટીસંખ્યામાં માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતા.