ભુજ તાલુકાના હબાય ગામે પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દામજીભાઈ ચાડની અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત હબાયના ગ્રામજનોને સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્યશ્રી દામજીભાઈ ચાડે જણાવ્યું હતું કે, યોજનાઓનો લાભ આપવા સરકાર નાગરિકોના ઘર આંગણે આવી છે. ગ્રામજનોને વિકસિત ભારત નિર્માણ સંકલ્પમાં સહભાગી બનવા શ્રી દામજીભાઈએ આહવાન કર્યું હતું.
હબાય ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમના પ્રભારી અધિકારીશ્રી તરીકે નાયબ માહિતી નિયામકશ્રી મિતેષ મોડાસિયાએ પ્રાસંગિક પ્રવચન કરીને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઉદ્દેશ્ય વિશે સૌને માહિતગાર કર્યા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું હબાય ગામે કુમકુમ તિલક કરીને ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રીના રેકોર્ડેડ સંદેશને ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના માધ્યમથી નિહાળ્યો છે. હબાય ગામની પ્રા.શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને કચ્છી સંસ્કૃતિ મુજબ મહાનુભાવોને આવકાર આપવામાં આવ્યો હતો. સ્વાગત પ્રવચન પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી હિતેશભાઈ વાળા દ્વારા કરવામાં આવ્યું હતું. મેરી કહાની મેરી ઝુબાની હેઠળ લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓના લાભ અંગે પોતાના પ્રતિભાવ આપીને વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
સરકારશ્રીની વિવિધ યોજના જેવી કે આયુષ્માન કાર્ડ, પોષણ યોજના વગેરેના લાભો લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગ્રામજનોએ વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા શપથ લીધા હતા.
આ પ્રસંગે ગામના સરપંચશ્રી સમીબેન કેરાસિયા, આગેવાન સર્વશ્રી ધનજીભાઈ કેરાસિયા, શ્રી પ્રેમજીભાઈ કેરાસિયા, વિસ્તરણ અધિકારીશ્રી મિરાબેન ગઢવી, તલાટી શ્રી મહેન્દ્રભાઈ ભાનુશાલી સહિત પ્રાથમિક શાળાના શિક્ષકગણ, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને ગ્રામજનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.