રાજ્યભરના તમામ મતદાન મથકો પર મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરી શકાશે
…………………………
મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા રાજ્યભરમાં હાથ ધરવામાં આવેલા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024ના આખરી દિવસ તા.09 ડિસેમ્બર, 2023ના રોજ રાજ્યભરમાં ખાસ ઝૂંબેશ યોજાશે. લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીઓમાં મતદાન કરવા માટે તા.01-01-2024ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓ માટે મતદાર તરીકે નોંધણી કરાવવાની આ ઉત્તમ તક છે.
મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.09 ડિસેમ્બર, 2023 (રવિવાર)ના રોજ રાજ્યભરના તમામ મતદાન મથકો પર સવારે 10.00થી સાંજે 05.00 વાગ્યા દરમિયાન મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી શકાશે. સાથે જ મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરી શકાશે.
લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.01લી જાન્યુઆરી, 2024ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા રાજ્યના તમામ મતદારોને મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી લેવા તથા પાત્રતા ધરાવતા નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધાવવા જાહેર અપીલ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાત્રતા ધરાવતા યુવાનો અને તેનાથી વધુ વયજૂથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચના Voter Helpline App અને http://voters.eci.gov.in/ ઉપર ઑનલાઈન પણ ફોર્મ ભરી શકશે.