જીયાપરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત નાગરિકોને વિવિધ યોજનાથી લાભાન્વિત કરાયા

by JAYENDRA UPADHYAY
0 comments

વિકસિત ભારત સંકલ્પ યાત્રા કચ્છ જિલ્લાના ગામે ગામ ભ્રમણ કરીને સરકારશ્રીની લોકકલ્યાણકારી યોજનાઓની ભેટ આપી રહી છે તેમજ આ અંગે જાગૃતિ ફેલાવીને વધુમાં વધુ લોકો સુધી યોજનાઓની માહિતી પહોંચે તે દિશામાં કામ કરી રહી છે. ત્યારે આજરોજ નખત્રાણાના જીયાપર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો અને લોકોને લાભાન્વિત કરાયા હતા.


જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી જયાબેન ચોપડાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તેઓએ જણાવ્યું કે, આજે જીયાપર ગામમાં વિકાસ રથ આવી પહોંચ્યો છે, જેના થકી લોકોને સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ મળશે. નાગરિકો અન્ય એવી યોજનાઓથી પણ વાકેફ થશે જે અંગે તેમને કદાચ જાણ ન હોય. સંકલ્પ યાત્રાનો હેતુ સમજાવતા તેમણે જણાવ્યું હતું કે, લોકો સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર થાય અને તેનો લાભ મેળવી પોતાનો વિકાસ સરળતાથી કરી શકે તે માટે આ રથ ગામે ગામ ફરીને લોકોને ઘરઆંગણે લાભ આપી રહ્યો છે. સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ, ઉજ્જવલા યોજના, આવાસ યોજના સહિતના અનેક યોજનાઓનો લાભ લોકોને ઘરબેઠા મળી રહેશે.
કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય વિકસિત ભારત સંકલ્પની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વીડિયો સંદેશ નિહાળ્યો હતો. ઉપરાંત મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સરપંચશ્રી અલ્પાબેન પોકાર, ઉપસરપંચશ્રી ઉદયભાઇ રૂડાણી, જળસંપત્તી સંશોધન પેટા વિભાગ નખત્રાણાના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી મેહુલભાઇ જાધવ સહિતના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

You may also like

Leave a Comment