આજરોજ કચ્છ જિલ્લાના અબડાસા અને લખપત તાલુકામાં મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત તાલુકાકક્ષાનું આયોજન પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત માટીને નમન કરીને વીરોને વંદન કરવા માટે સમગ્ર દેશમાં મારી માટી, મારો દેશ અભિયાનનું આયોજન કરાયું છે. જેને લઈને કચ્છ જિલ્લાના તમામ ૧૦ તાલુકામાં તાલુકાકક્ષાનો મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો હતો. ગુરૂવારના રોજ આઠ તાલુકામાં જ્યારે આજરોજ બે તાલુકામાં કાર્યક્રમ સંપન્ન થયો હતો.
જિલ્લામાં ૦૯ ઓગસ્ટથી લઈને ૧૫ ઓગસ્ટ સુધી ગામડે ગામડે મારી માટી, મારો દેશ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જ્યાં શિલાફલકમના નિર્માણ સાથે કળશમાંથી માટી એકઠી કરીને તાલુકાકક્ષાએ લાવવામાં આવી છે. તમામ તાલુકાકક્ષાના કાર્યક્રમમાં હાજર રહેલા પદાધિકારીશ્રીઓએ શીલાફલકમના અનાવરણની સાથે ધ્વજવંદન કરીને વીરોને યાદ કર્યા હતા. માટીને નમન કરીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલી પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. વિવિધ સ્થળે સેલ્ફી પોઈન્ટનું નિર્માણ કરાયું હતું જ્યાં પદાધિકારીશ્રીઓએ સેલ્ફી લઈને મેરી માટી, મેરા દેશ અભિયાનની વેબસાઈટ ઉપર અપલોડ કરી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા સાથે રેલી કાઢવામાં આવી હતી.
મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત વસુંધાને વંદન કરવાના હેતુથી હાજર રહેલા પદાધિકારીશ્રીઓએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. ધ્વજવંદન અને સામૂહિક રાષ્ટ્રગાનની સાથે કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, દેશના ૭૫૦૦ તાલુકાઓમાંથી કળશમાં માટી એકઠી કરીને તાલુકાદીઠ એક યુવાન દિલ્હી ખાતે વડાપ્રધાનશ્રીની હાજરીમાં આયોજિત થનારા કાર્યક્રમમાં સહભાગી થશે. દિલ્હી ખાતે દેશભરમાંથી આવેલી માટીમાંથી અમૃતવાટિકાનું નિર્માણ કરવામાં આવશે.
લખપતનો તાલુકાકક્ષાનો કાર્યક્રમ દયાપર તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયો હતો. તાલુકા પંચાયત પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચશ્રીઓ, આગેવાનશ્રીઓ, બીએસએફ, હોમગાર્ડ, તેમજ સરકારી કર્મચારીશ્રી અને શાળાના વિદ્યાર્થીઓએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જ્યારે અબડાસા તાલુકાકક્ષાનો કાર્યક્રમ નલીયા તાલુકા પંચાયત ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આગેવાનશ્રી અલીભાઈ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી ભાવનાબા જાડેજા, માર્ગ અને મકાન પંચાયત અધિક્ષક ઈજનેરશ્રી એમ.જે.ઠાકોરસહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. નલીયા ખાતે આયોજિત કાર્યક્રમમાં નિવૃત આર્મીમેનનું સન્માન કરવામાં આવ્યું હતું.