કચ્છના નખત્રાણા તાલુકાના આનંદનગર વિસ્તારમાં રહેતા મિતેશભાઈ વ્યાસના પુત્ર પરમને હૃદયમાં કાણું હોવાની જન્મજાત બિમારીમાં ડિવાઇસ ક્લોઝર જેવી અદ્યતન ટેકનોલોજીની સારવાર થકી નવજીવન મળ્યું છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત હૃદયરોગની સારવાર કરવામાં આવી હતી.
૧૯ માર્ચ, ૨૦૨૨ના રોજ કચ્છના નખત્રાણાની એક ખાનગી હોસ્પિટલમાં લોઅર સેગમેન્ટ સિઝેરિયન પદ્ધતિથી પરમનો જન્મ થયો હતો. જન્મ સમયે પરમનું વજન સાડા ત્રણ કિલો હતું. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની મોબાઇલ ટીમની આંગણવાડીની મુલાકાત અને આરોગ્ય તપાસણી દરમિયાન બાળક પરમને જન્મ પછી કોઈ અન્ય તકલીફ જણાઈ નહોતી. જોકે પરમનું વજન વધતું ન હતું તે એક બાબત તબીબોના ધ્યાનમાં આવી હતી. પરમનું છ મહિના સુધી સાડા છ કિલો વજન હતું. છેલ્લા એક વર્ષમાં નજીવું વજન વધીને સાત કિલો થયું હતું. આથી સ્વાસ્થ્યની સઘન તપાસરૂપે લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જોકે, આ લોહીના રિપોર્ટ્સ પણ સામાન્ય આવ્યા હતા.
વધારે તબીબી નિરીક્ષણ માટે બાળરોગ નિષ્ણાત પાસે લઈ જઈ ટુ ડી ઇકો કરાવતાં પરમના હૃદયમાં જન્મજાત બે કાણા હોવાનું સામે આવ્યું હતું. પરમના માતા-પિતા માટે આ સમાચાર આઘાતજનક હતા. પરમના પિતા મિતેશભાઇ એક ખાનગી કંપનીમાં કામ કરે છે તેથી પરમની સારવાર કેવી રીતે કરાવવી તેની ચિંતા કરી રહ્યા હતા. એવા સમયે આર.બી.એસ.કેના ડૉ.અજય ત્રિવેદી અને ડૉ.કશ્યપ ડોડિયાએ ટીમ સાથે પરમના ઘરની ફરીથી મુલાકાત લીધી અને તેના પરિવારજનોને પરમના હૃદયમાં જન્મજાત ખામી વિશે વિગતવાર માહિતગાર કર્યા. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સુપર સ્પેશિયાલિટી સવલત પણ સરકારશ્રી તરફથી નિ:શુલ્ક પુરી પાડવામાં આવશે તેવી હિંમત પણ આપવામાં આવી હતી.
આર.બી.એસ.કે. ટીમ દ્વારા ભુજ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા મારફતે પરમની સારવાર હૃદય રોગની અદ્યતન સેવા પૂરી પાડતી યુ.એન. મહેતા હોસ્પિટલ- અમદાવાદમાં કરાવવા માટે મંજૂરી માંગવામાં આવી. આ મંજૂરી મળતાં જ યુ.એન. મહેતા હોસ્પિટલ- અમદાવાદ ખાતે નિષ્ણાત તબીબો દ્વારા ખૂબ જ કાળજીપૂર્વક ડિવાઇસ ક્લોઝર ટેક્નોલોજીથી પરમના હૃદયના કાણાની સારવાર કરવામાં આવી હતી. જે પરમ અને તેના પરિવારજનો માટે ખૂબ જ વરદાનરૂપ સાબિત થઈ છે.
પરમના પિતા મિતેશભાઈ વ્યાસે ભાવુક થઈને આર.બી.એસ.કે ટીમ, યુ.એન. મહેતા હોસ્પિટલ- અમદાવાદના તબીબો અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સરકારે આ સુવિધા ઉભી કરી ના હોત તો પરમની સારવાર પાછળ થયેલા ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ હું ક્યાંથી કરી શક્યો હોત. આ સરકાર અને આરોગ્ય વિભાગ મારા માટે ભગવાનના દૂત સમાન છે એમ પરમના પિતાશ્રીએ જણાવ્યું હતું.