આજરોજ કચ્છના પ્રવાસે આવેલા કેન્દ્રીય સંચાર રાજયમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે કલેકટર કચેરી ખાતે ભારતીય પોસ્ટ વિભાગ, ટેલીકોમ્યુનીકેશન વિભાગ તથા સંબંધિત અધિકારીશ્રીઓ સાથે રીવ્યુ બેઠક લીધી હતી.
આજની બેઠકમાં મંત્રીશ્રીએ ટેલીકોમ્યુનીકેશન વિભાગ દ્વારા કાર્યરત પ્રોજેકટમાં ગતિશીલતા લાવવા તથા લોકહિતની યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવી સક્રીય કામગીરી કરવા પોસ્ટ વિભાગને સુચના આપી હતી. ખાસ કરીને મહિલા સમ્માન પત્રને સંલગ્ન સક્રીય કામગીરી કરવા તથા બીએસએનએલને ૪જી પ્રોજેકટમાં કચ્છને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કચ્છના છેવાડાના ગામ સુધી પોસ્ટ વિભાગની તથા ટેકનોલોજીની કનેકટીવીટી પહોંચે તેવા સરકાર દ્વારા સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે હેઠળ ૮૭ ગામમાં નેટવર્ક ઉભું કરવા સર્વે કરાયો છે ત્યારે તે દિશામાં ઝડપથી કામગીરી થાય તે માટે સુચના આપી હતી. પોસ્ટ વિભાગ દ્વારા ડ્રોનથી પાર્સલ સેવા શરૂ કરવા કચ્છમાં ટ્રાયલ કરાઇ છે તે દિશામાં ઝડપથી આગળ વધવા તેમણે જણાવ્યું હતું.
બેઠકમાં પોસ્ટ વિભાગ તથા ટેલીકોમ્યુનીકેશન સહિતના વિભાગે પોતાની કામગીરીનું પ્રેઝટેન્શન કર્યું હતું. આ ટાંકણે પોસ્ટ વિભાગે આગામી સમયમાં ભુજ અને ગાંધીધામ ખાતે ડાકઘર નિર્યાત કેન્દ્ર ચાલુ કરવા નિર્ણય લેવાયો હોવાનું જણાવ્યું હતું .
આ પ્રસંગે કલેકટરશ્રી અમિત અરોરાએ મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું . બેઠકમાં સીજીએમ ,ડીઓટી, ગુજરાતનાશ્રી સંદિપ સાવરકર, પોસ્ટ માસ્ટર જનરલ, સૌરાષ્ટ્ર- કચ્છ વિભાગના બી.એલ.સોની, બી.એસ.એફ ડીઆઇજી, શ્રી અનંતસિંધ, પીજીએમ બીએસએનએલ , હેંમત પાંડે, એડીશનલ ડીજી.ગુજરાત એલએસએ શ્રી અજાતશત્રુ સોમાણી, ડીડીજી રુરૂલ આશીષ ઠાકર, રાજીવ કુશવાહ તથા વહીવટીતંત્રના અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.