ચુનડી ગામમાં પત્નીની હત્યાના કેસમાં પતિને આજીવન સખ્ત કેદની સજા

by minaj
0 comments

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ચુનડી ગામમાં બનેલા પત્નીની હત્યાના ગંભીર બનાવમાં ભુજની સેશન કોર્ટ દ્વારા આરોપીને આજીવન સખ્ત કેદની સજા ફટકારવામાં આવી છે. અદાલતે આરોપી પર રૂ. ૧,૦૦,૦૦૦ નો દંડ પણ ફટકાર્યો છે અને જો દંડની રકમ નહીં ભરે તો વધુ ૧ વર્ષની સાદી કેદ ભોગવવાની સજા પણ ફટકારવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ચુનડી ગામના રહેવાસી મહિપતસિંહ ભીમજી સોઢા અને મૃત્યુ પામનાર ચેતના વચ્ચે પતિ-પત્નીનો સંબંધ હતો. આરોપી મહિપતસિંહ કોઈ કામધંધો કરતો ન હોવાથી ચેતના તેને વારંવાર કામધંધો કરવાની સમજ આપતી હતી. આ બાબતે મનદુઃખ રાખી આરોપીએ ક્રૂરતા પૂર્વક પહેલા પાણી ગરમ કરવાના હીટર વડે શરીરે ડામ આપ્યા હતા અને ત્યારબાદ માથાના આગળ, વચ્ચે તથા પાછળના ભાગે લાકડાના ધોકાથી ગંભીર ઇજાઓ પહોંચાડતા ચેતનાનું મોત નિપજ્યું હતું.

બનાવ બાદ આરોપીએ ઘટનાસ્થળે પડેલ લોહીની સફાઈ કરી પુરાવા નાશ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ અંગે માનકુવા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી. આર. ચૌધરી દ્વારા ભારતીય દંડ સંહિતા કલમ ૩૦૨, ૨૦૧ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ અદાલતમાં રજૂ કરવામાં આવી હતી.

ભુજની નામદાર પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ દિલીપ પી. મહીડાએ કેસની વિગતવાર સુનાવણી કરી હતી. આ કેસમાં પ્રોસિક્યુશન તરફથી કુલ ૪૨ દસ્તાવેજી પુરાવા અને ૨૦ સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. તમામ પુરાવા અને સાક્ષીઓને ધ્યાનમાં લઈને અદાલતે આરોપીને દોષિત ઠેરવી આજીવન સખ્ત કેદની સજા તથા રૂ.૧,૦૦,૦૦૦ નો દંડ ફટકાર્યો હતો.

આ કેસમાં સરકાર પક્ષ તરફથી અધિક જિલ્લા સરકારી વકીલ પ્રવિણચંદ્ર વાણીયા દ્વારા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી, જ્યારે અંતિમ દલીલ અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ મહેશ્વરી દ્વારા કરવામાં આવી હતી.

You may also like

Leave a Comment