અમદાવાદની જેલમાંથી પેરોલ પરથી ફરાર આરોપી ગોવામાંથી ઝડપાયો, C.I.D. ક્રાઇમની કાર્યવાહી

by minaj
0 comments

 પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્યની સૂચનાથી પોલીસ મહાનિદેશક C.I.D. ક્રાઇમ અને રેલ્વેઝ, ગાંધીનગર દ્વારા જેલમાંથી રજા મેળવી સમયમર્યાદામાં પરત હાજર ન થયેલા તથા ફરાર આરોપીઓને પકડવા માટે તા.27/01/2026 થી તા.05/02/2026 દરમિયાન ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ડ્રાઇવના અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી (વહીવટ), C.I.D. ક્રાઇમ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ વી.ડી. વાળા, નાયબ પોલીસ અધિક્ષકના નેતૃત્વમાં C.I. સેલ, C.I.D. ક્રાઇમની ટીમ દ્વારા જેલ ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ડિટેક્ટિવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એન. પ્રજાપતિ તથા પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહ આર. રાણાને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સ મારફતે મહત્વની બાતમી મળી હતી.બાતમી મુજબ અમદાવાદ મધ્યસ્થ જેલ પાકા કેદી નં. બ/37009 મોહમદ જાવેદ બિસ્મીલ્લાખાન ઠાકોર, જે વિવિધ ગુનાઓમાં સજા ભોગવી રહ્યો હતો, તેને તા.20/09/2025 થી તા.24/10/2025 સુધી 36 દિવસની પેરોલ રજા આપવામાં આવી હતી. રજાની મુદત પૂરી થયા બાદ તા.25/10/2025 ના રોજ જેલમાં પરત હાજર થવાનું હતું, પરંતુ તે હાજર ન થયો અને ફરાર થઈ ગયો હતો. આ બાબતે રાણીપ પોલીસ સ્ટેશન ખાતે પ્રિઝન એક્ટ કલમ 51(એ), 51(બી) હેઠળ ગુનો નોંધાયેલ હતો.પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી હાલ ગોવામાં રોકાયેલ છે. ત્યારબાદ પોલીસ ટીમ તાત્કાલિક ગોવા પહોંચી આરોપી મોહમદ જાવેદ બિસ્મીલ્લાખાન ઠાકોરને ડિટેઇન કરી ગાંધીનગર લાવી જરૂરી કાર્યવાહી બાદ બાકીની સજા ભોગવવા અમદાવાદ મધ્યસ્થ જેલમાં સોંપવામાં આવ્યો છે.આ સમગ્ર કામગીરીમાં ડિટેક્ટિવ પોલીસ ઇન્સ્પેક્ટર એ.વાય. બલોચ, ડી.પી.એસ.આઇ. એન.એન. પ્રજાપતિ, હેડ કોન્સ્ટેબલ જયેશકુમાર આર. મિશ્રા સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

You may also like

Leave a Comment