રાજકોટ ગ્રામ્ય SOGએ ગોંડલના મુંગાવાવડી પાસે વોચ ગોઠવી બોલેરોમાંથી 29 કિલો ગાંજો પકડ્યો. આ રેડમાં બે આરોપી ઝડપાયા અને ત્રણ વોન્ટેડ જાહેર થયા છે, કુલ 21 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો.રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા માદક પદાર્થોની હેરાફેરી ડામવા માટે ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને એક મોટી સફળતા સાંપડી છે. ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી SOGની ટીમે 29 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડી, કુલ રૂ. 21.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.રાજકોટ SOGની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે, મુંગાવાવડી ગામથી દાળીયા ગામ તરફ જતા રસ્તા પર એક બોલેરો પિકઅપ વાહનમાં માદક પદાર્થની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ બોલેરોને અટકાવી તલાશી લેતા તેમાંથી 29 કિલો અને 03 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.આ કેસમાં પોલીસે ભાયાવદરના રહેવાસી અશરફ ઉર્ફે અપ્પુ રાજુભાઈ પટ્ટણી અને શાહનવાજ રાજુભાઈ પટ્ટણીની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સ નેટવર્કમાં અન્ય લોકોની સંડોવણી પણ સામે આવી છે. પોલીસે આ ગુનામાં સમીર દિલાવરભાઈ પટ્ટણી, અસફાક મનસુરભાઈ ખોખર અને ડ્રગ્સ સપ્લાય કરનાર ઓરિસ્સાના શુશાંતકુમાર લેનકાને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઓરિસ્સા સુધી આ તાર જોડાયેલા હોવાથી આ એક આંતરરાજ્ય રેકેટ હોવાનું મનાય છે.
134

