અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શહેરના ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનની લગભગ 18 થી 20 લાખ વસ્તીને નર્મદાના પાણીનો લાભ મળશે. શહેરમાં વધતા જતા વિકાસને કારણે છેલ્લા થોડા વર્ષોમાં 15 માળ કે તેથી વધુના બાંધકામો અને ત્યાં વસવાટ કરતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આના કારણે આ વિસ્તારોમાં પીવાના તથા સામાન્ય વપરાશની તંગીના પ્રશ્નો વારંવાર ઉઠતા રહ્યા છે પરંતુ હવે આનું નિરાકરણ આવતું દેખાઈ રહ્યું છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિગ કમિટીનાં ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, ‘જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નર્મદા નદીનું પાણી ઉત્તર-પશ્ચિમ ઝોન, દક્ષિણ-પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનમાં વિતરણ કરવામાં આવે છે. રિંગ રોડ પર વર્ટિકલ ડેવલોપમેન્ટમાં જોવા મળી રહ્યું છે. 15થી વધુ માળની ઇમારતોમાં વસ્તીનું પ્રમાણ વધતું જાય છે જેને કારણે આ વિસ્તારોમાં પાણીની ઘટ પડતી હોય છે. પરિણામે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ કે જેઓ ગાંધીનગર વિસ્તારનું પણ પ્રતિનિધિત્વ કરે છે તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ અંગેની રજૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત નર્મદા નિગમ દ્વારા 468 એમએલટી પાણીનો જથ્થો વધારે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરિણામે આ વિસ્તારના લગભગ 18 થી 20 લાખ લોકોને નર્મદાના પાણીનો લાભ મળશે.તેમણે જણાવ્યું કે, ગોતા, વસ્ત્રાપુર, થલતેજ, અબધપુર, સોલા, જોધપુર, વેજલપુર વગેરે વિસ્તારોમાં આવનારા સમયગાળા દરમિયાન નર્મદાના પાણીનો જથ્થો વધારે પ્રમાણમાં આપવામાં આવશે અને આનાથી વિતરણમાં કાપ મૂકવાની સમસ્યાનો અંત આવશે.આ ઉપરાંત ચેરમેન દેવાંગ દાણી જણાવ્યું કે, ઇસનપુરમાં જે રીતે વસ્તીનું પ્રમાણ વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને પાણીની ટાંકી તૈયાર કરવા માટેની મંજૂરી સ્ટેન્ડિગ કમિટીમાં આપવામાં આવી છે. જેથી ત્યાં વર્ષો જૂની પાણીની સમસ્યાનો અંત આવશે. આ અંતર્ગત પાણીની ટાંકીના બાંધકામમાં અવરોધરૂપ બનતા કેટલાક વૃક્ષોને કાપવામાં આવશે અને અન્ય કેટલાકને મહાનગરપાલિકાના ‘મિશન ફોર મિલિયન ટ્રી’ અંતર્ગત ચોક્કસ જગ્યાઓ પર રિલોકેટ કરવામાં આવશે.
124

