AMC સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વર્ષ 2026-27ના નાણાકીય વર્ષ માટેનું સુધારા સાથેનું 1206 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ વર્ષે બજેટમાં 50 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે 1155 કરોડનું બજેટ હતું. સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતાએ માહિતી આપતા જણાવ્યું કે, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડૉ. એલ.ડી. દેસાઈ દ્વારા રજુ કરેલ રૂ.1200 કરોડના ડ્રાફ્ટ બજેટમાં સ્કૂલ બોર્ડના સભ્ય દરખાસ્ત અને ટેકાથી રૂ.5 કરોડના વધારા સૂચવી કુલ રૂ.1205 કરોડનું અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ 2026-27નું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું છે.વિદ્યાર્થિનીઓ માટે કૌશલ્ય વર્ધન વર્ગ માટે 10 લાખ ફાળવવામાં આવ્યા છે. વિકાસથી વિરાસત માટે 20 લાખની ફાળવણી કરાઇ છે. વિવિધ સંકલ્પો માટે સંકલ્પ બોર્ડના 40 લાખ ફાળવવામાં આવ્યા છે. AI એજ્યુકેશન માટે 1 કરોડ, નેશનલ એજ્યુકેશન પોલિસી માટે 30 લાખ, AMC સાથે મેનેજમેન્ટ મંત્ર માટે 20 લાખ, સપોર્ટ એક્ટીવીટીમાં 10 કરોડની ફાળવણી કરવામાં આવી. કોમનવેલ્થ અને ઓલમ્પિક માટે તૈયારી કરવામાં આવી રહી છે. સ્કોલરશિપ યોજના માટે 10 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.453 શાળાઓ પૈકી 204 અનુપમ શાળાઓ અને 54 શાળાઓ પર કામ ચાલુ છે. 33 શાળાઓ માટે રિનોવેશન ટેન્ડર થઇ ચુક્યું છે. 4500 શિક્ષકો શાળામાં કાર્યરત છે.કોમનવેલ્થ 2030 અમદાવાદ હોસ્ટ બનવાનું છે અને 2036 ઓલિમ્પિક પણ રમાવાની છે જેને ધ્યાનમાં રાખતા અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ સંકૂલ વિદ્યાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ કોઇ પણ રમત રમવી હોય તે રમી શકે છે.વર્ષ 2026-27ના આ શતાબ્દી બજેટને વિદ્યાર્થી, વાલી, શિક્ષક અને શાળાને કેન્દ્ર સ્થાને રાખીને તૈયાર કરવામાં આવેલ છે. વર્ષ 2026-27ના પ્રાયમરી એજયુકેશન ફંડના રૂ.1205 કરોડના અંદાજપત્રમાં 86.67.% એટલે કે રૂ.1044.32 કરોડ જેટલી રકમ પગાર અને પેન્શન પાછળ ખર્ચ થનાર છે. વિદ્યાર્થી વિકાસ/શૈક્ષણિક અને શિક્ષકોને લગતી પ્રવૃત્તિઓ પાછળ 10.90% એટલે કે રૂ.131.29 કરોડ અને શાળા અને માળખાકીય સુવિધાઓ પાછળ થનાર 2.44% એટલે કે રૂ.29.39 કરોડ ખર્ચ થનાર છે. ગત વર્ષના રૂા. 1155.00 કરોડના બજેટ સામે આ વર્ષે રૂા. 50 કરોડના વધારા સાથે રૂા. 1205.00 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા ગત વર્ષે જોગવાઈ કરવામાં આવેલ બજેટલક્ષી કામો મહદ્ અંશે પૂર્ણ કરવામાં આવ્યા છે તેમજ કેટલાંક બાકી રહેતા કામો તા.31-03-2026 પહેલા પૂર્ણ થાય તે પ્રકારના આયોજનો હાથ ધરેલ છે.સ્કૂલ બોર્ડની સ્થાપનાની શતાબ્દી વર્ષની ઉજવણી દરમ્યાન ‘શતાબ્દીની શ્રેષ્ઠ 100 અનુપમ શાળાઓ’ અને સદીના સિતારા 100 શિક્ષકોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે જેઓને આગામી સમયમાં સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર વિદ્યાર્થીઓને શિખવાની વધુમાં વધુ તકો પ્રાપ્ત થાય તે હેતુથી શતાબ્દી વર્ષ નિમિત્તે મ્યુનિ. શાળાના બાળકો માટે શતાબ્દી શિષ્યવૃત્તિ, રમત-ગમત ક્ષેત્રે સવિશેષ પ્રશિક્ષણ, STEM (Science. Technology, Engineering. Mathematics)નું આઈ.આઈ.ટી. ગાંધીનગર દ્વારા શિક્ષણ, વાંચન સમૃધ્ધિ માટે લાઈબ્રેરીનો વિકાસ જેવા નવિન પ્રકલ્પો વિદ્યાર્થીઓના સર્વાગીણ વિકાસ માટે બજેટમાં જોગવાઈઓ કરવામાં આવેલ છે. અ.મ્યુ.કો.ના વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવાના હેતુથી અ.મ્યુ.કો. દ્વારા નવિન 34 શાળાઓ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.ઉપરોકત સ્કૂલ બોર્ડના શિક્ષણ સાથેના કેળવણીના આ બજેટમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અનુસાર બાળકોને =ડેવલોપમેન્ટ, રમત-ગમત, કલા, સંગીત, વક્તત્વ, સેલ્ફ ડિફેન્સ, મૂલ્યલક્ષી શિક્ષણ, સ્વચ્છતા, ટ્રાફિક અવેરનેસ, રાષ્ટ્રપ્રેમ વિદ્યાર્થી સ્વાવલંબી બને અને તેના આત્મવિશ્વાસમાં વધારો થાય તે પ્રકારની કેળવણી પર ભાર મુકવાની બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે.
47

