કચ્છના રાપરમાં ભાજપ સામે એકસાથે આવ્યા કોંગ્રેસ-AAP, મામલતદાર કચેરીએ જઈને કયા મુદ્દે કરી રજૂઆત?

by minaj
0 comments

 રાપર તાલુકામાં ચાલી રહેલી SIR પ્રક્રિયા અંગે રાજકીય માહોલ ગરમાયો છે. રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ તથા આમ આદમી પાર્ટી દ્વારા SIR અંતર્ગત મતદારોના નામ સામે ખોટી રીતે લેવામાં આવેલા વાંધાઓ અંગે સ્પષ્ટતા માંગતા રાપર મામલતદાર કચેરી ખાતે સંયુક્ત રીતે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત દરમિયાન બંને પક્ષોએ ગંભીર આક્ષેપો સાથે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શકતા ન હોવાની ચિંતા વ્યક્ત કરી હતી.કોંગ્રેસ અને આપના નેતાઓએ જણાવ્યું હતું કે, રાપર વિધાનસભા વિસ્તારમાં 10,000થી વધુ મતદારોના નામો સામે ખોટી અને શંકાસ્પદ રીતે વાંધાઓ નોંધાવવામાં આવ્યા છે. SIR જેવી મહત્વની પ્રક્રિયા દરમિયાન મતદારોને પૂરતી માહિતી આપ્યા વગર અને યોગ્ય કારણ વિના વાંધાઓ લેવામાં આવી રહ્યા હોવાના કારણે સામાન્ય જનતા ગેરસમજ, ભ્રમ અને ભયના માહોલમાં જીવી રહી છે.રજુઆતમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો કે અનેક બુથોમાં રાજકીય દબાણ હેઠળ મતદારોના નામો પર વાંધાઓ ઉઠાવવામાં આવ્યા છે. મતદારોને ન તો વાંધાની સંપૂર્ણ વિગતો આપવામાં આવી રહી છે અને ન તો સુનાવણી અંગે સમય, તારીખ અને સ્થળની સ્પષ્ટ જાણકારી અપાઈ રહી છે. પરિણામે લોકશાહી પ્રક્રિયા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.રાપર તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલતદાર સમક્ષ માંગણી કરી કે રાપર વિધાનસભાના તમામ બુથોમાં લેવાયેલા વાંધાઓની સંપૂર્ણ અને જાહેર યાદી તરત બહાર પાડવામાં આવે. સાથે જ દરેક અસરગ્રસ્ત મતદારોને પારદર્શક રીતે લેખિત નોટિસ આપવામાં આવે અને કોઈપણ પ્રકારના રાજકીય હસ્તક્ષેપ વગર, સંપૂર્ણ નિષ્પક્ષ રીતે સુનાવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે.કોંગ્રેસ અને આપના પ્રતિનિધિઓએ સરકાર પર આંધળી, બહેરી અને સત્તાભોગી હોવાનો આક્ષેપ કરતા કહ્યું કે, આવી પ્રક્રિયાઓ દ્વારા લોકશાહીનું હનન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે ચેતવણી આપી કે જો SIR પ્રક્રિયામાં પારદર્શકતા જાળવવામાં નહીં આવે અને મતદારોના મૂળભૂત અધિકારો સાથે ચેડા કરવામાં આવશે, તો કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર લોકશાહી આંદોલન શરૂ કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે. અંતમાં કોંગ્રેસ અને આપ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે લોકશાહી અને મતદારોના અધિકારોની રક્ષા માટે તેઓ સતત લડત આપતા રહેશે અને કોઈપણ અન્યાય સામે ચૂપ નહીં બેસે.

You may also like

Leave a Comment