સફેદરણ આજે માત્ર કુદરતી અજાયબી નથી રહ્યું, પરંતુ આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ભાવનાનું પ્રતીક બની ઊભર્યું છે. એક સમય એવો હતો જ્યારે આ પ્રદેશ ઉજ્જડ અને નિર્વાણ લાગતો, પરંતુ આજે દેશ-વિદેશથી હજારો સહેલાણીઓ પરિવાર સાથે આવી, અહીં પૂનમની ચાંદનીમાં ઝગમગતા સફેદ રણના અદભૂત નજારાનો આનંદ માણે છે. આ અનોખા વાતાવરણમાં આધ્યાત્મિક સુગંધ ભળી ત્યારે સફેદરણમાં યોજાયેલી ભગવદ્દગીતા જીવન સંગીત શિબિરે સૌને મંત્રમુગ્ધ કરી દીધા.આ ત્રણ દિવસીય આધ્યાત્મિક શિબિરમાં પ્રખ્યાત વક્તા અને વિચારક રમેશભાઈ ઓઝાએ પોતાના પ્રભાવશાળી સંબોધન દ્વારા ભગવદ્દગીતા અને રામાયણના જીવનઉપયોગી સંદેશોને સહજ ભાષામાં રજૂ કર્યા. જીવનમાં આવતી ઉલઝણો, સંઘર્ષ અને માનસિક તાણ વિશે હાજર શિબિરાર્થીઓએ પૂછેલા પ્રશ્નોના ઉત્તરો તેમણે શાસ્ત્રોના દૃષ્ટાંતો સાથે આપ્યા, જેના કારણે ઉપસ્થિત દરેક વ્યક્તિ આત્મમંથન અને નવી ઉર્જાથી ભરાઈ ગયો.આ શિબિરમાં કચ્છના નામી ઉદ્યોગપતિઓ, સામાજિક અગ્રણીઓ તેમજ આર્મી, નેવી, બીએસએફ અને એરફોર્સના જવાનો પરિવાર સાથે જોડાયા હતા. વિવિધ ક્ષેત્રોના લોકો એક જ મંચ પર ભેગા થયા ત્યારે આ કાર્યક્રમ સમાજમાં એકતા અને સમરસતાનું પ્રતીક બન્યો.આધ્યાત્મિક સંવાદ સાથે સાથે શારીરિક અને માનસિક સ્વસ્થતાને પ્રોત્સાહન આપવા માટે યોગાભ્યાસ અને પ્રાણાયામના સત્રો યોજાયા. સફેદરણના વોચ ટાવર પાસે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું, જેમાં હાજર મહેમાનો અને શિબિરાર્થીઓએ જાતે સફાઈ કરી. સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા લેવડાવી જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો, જે કાર્યક્રમને સામાજિક જવાબદારીનું મહત્વપૂર્ણ પરિમાણ આપ્યું.મોડી સાંજે યોજાયેલી સાંસ્કૃતિક સાંજ કાર્યક્રમમાં લોકપ્રિય લોકગાયક કિર્તીદાન ગઢવીએ પોતાની વિશિષ્ટ રજૂઆતથી સમગ્ર વાતાવરણને સંગીતમય બનાવી દીધું. લોકસંગીત, દેશપ્રેમ અને સંસ્કૃતિના સંગમથી હાજર જનસમુદાય ભાવવિભોર થયો. કાર્યક્રમમાં એસપી વિકાસ સુંડા અને આઈજી ચીરાગ કોરડીયાની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવ્યો.શિબિર દરમિયાન રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય સહિતના આગેવાનો દ્વારા રમેશભાઈ ઓઝાને સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે આધ્યાત્મિક માર્ગદર્શન માટે તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. કલ્ચરલ કાર્યક્રમના અંતે “વંદે માતરમ્” ગીતના 150 વર્ષ પૂર્ણ થતા, ભારતના રાષ્ટ્રધ્વજ સાથે જયઘોષ ગુંજ્યો ત્યારે સમગ્ર સફેદરણ રાષ્ટ્રીય ભાવનાથી ગુંજી ઊઠ્યું. દેશપ્રેમ અને આધ્યાત્મિક ઉલ્લાસના સંગમથી આ ક્ષણ દરેક હાજર વ્યક્તિ માટે અવિસ્મરણીય બની રહી.આ ભગવદ્દગીતા જીવન સંગીત શિબિર માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ માનવજીવનને નવી દિશા આપતો અનુભવ હતો. કુદરતની ગોદમાં આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને સ્વચ્છતાનો સંદેશ આપતી આ શિબિરે કચ્છના સફેદરણને એક નવી ઓળખ આપી, જ્યાં શાંતિ, વિચાર અને રાષ્ટ્રભાવના એકસાથે અનુભવાય.
132

