શેર બજારમાં રોકાણ કરી જંગી નફો કમાવવાની લાલચ આપી લોકોને છેતરીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારી ગેંગના બે આરોપીઓને ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (સીસીઈ) ગાંધીનગરે ઝડપી પાડ્યા છે. આ કૌભાંડમાં કુલ 8.45 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસો જોડાયેલા છે, જેમાં અનેક રાજ્યોના નાગરિકો ભોગ બનેલા છે. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને બેંક પાસબુક જપ્ત કર્યા છે.પોલીસ અધિકારીઓ અનુસાર, આરોપીઓએ એક ફરિયાદીને વોટ્સએપ ગ્રુપમાં જોડીને પોતાને ‘પ્રેમજી ઈન્વેસ્ટ’ નામની કંપનીના વિશેષ ઈન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે રજૂ કર્યા હતા. આ કંપનીને તેઓએ ખોટી રીતે SEBI રજિસ્ટર્ડ તરીકે દર્શાવી હતી. તેઓએ ફરિયાદીને વિવિધ લિંક્સ અને એપ્લિકેશન્સ ડાઉનલોડ કરાવી, બનાવટી KYC પ્રક્રિયા અને ટ્રેડિંગ પ્લેટફોર્મ બતાવીને શેર માર્કેટ, IPO અને બ્લોક ટ્રેડિંગમાં મોટો નફો મળશે તેવી લાલચ આપી હતી. આમ કરીને તેઓએ અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. 2.32 કરોડ જમા કરાવ્યા હતા. એપ્લિકેશનમાં મોટો વર્ચ્યુઅલ નફો બતાવીને વિશ્વાસ જીત્યા બાદ, તેઓએ રોકાણ અને નફો પરત ન આપ્યા અને બનાવટી SEBI સર્ટિફિકેટ્સ તથા પત્રો મોકલીને વધુ છેતરપિંડી કરી હતી.આ કેસમાં CID સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુન્હા રજિસ્ટર નંબર ૦૫૨૦૨૬ અન્વયે ગુનો નોંધાયો હતો. ડેપ્યુટી પોલીસ ઈન્સ્પેક્ટર એમ.આર. રાદડીયાના નેતૃત્વમાં બનેલી ટીમે બેંક ખાતાઓ, મોબાઈલ નંબરો અને ટાવર ડમ્પ ડેટાનું વિશ્લેષણ કરીને આરોપીઓના લાઈવ લોકેશન મેળવ્યા હતા. તપાસ અમદાવાદમાં પહોંચી અને ત્યાંથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પકડાયેલા આરોપીઓમાં (1) રાહુલ મુકેશભાઈ પટેલ (રહે. એફ-303, નાલંદા રેસીડેન્સી, ગંગોત્રી સર્કલ પાસે, ન્યુ નિકોલ, અમદાવાદ) અને (2) પ્રશાંત માનપ્પા બડીગર (રહે. ડી-202, વિભાગ-10, પાશ્વનાથ ટાઉનશીપ, નવા નરોડા, અમદાવાદ)નો સમાવેશ થાય છે. આરોપીઓએ ‘રાધે ઓટોમોબાઈલ’ નામની ફર્મ ઊભી કરીને બેંક ખાતાઓ ખોલાવ્યા હતા અને તેને દિલ્હીમાં સપ્લાય કરતા હતા. આ ખાતાઓ NCCRP અને સમન્વય પોર્ટલ પર તપાસતા ગુજરાતમાં 1, કર્ણાટકમાં 2, મહારાષ્ટ્રમાં 8, ઉત્તર પ્રદેશમાં 4, તેલંગાણામાં 2, કેરળમાં 1, વેસ્ટ બંગાળમાં 2, તમિલનાડુમાં 1 અને મધ્ય પ્રદેશમાં 1 મળીને કુલ 22 કેસો જોડાયેલા જણાયા છે, જેમાં કુલ રૂ. 8.45 કરોડની છેતરપિંડી થઈ છે. આરોપીઓ વિદેશમાં બેઠેલા સિન્ડિકેટ સભ્યોને આ ખાતાઓ પૂરા પાડતા હતા અને કમિશનના બદલામાં છેતરપિંડીના પૈસા લોન્ડર કરતા હતા.આરોપીઓની મોડસ ઓપરેન્ડી અનુસાર, તેઓ અલગ-અલગ વ્યક્તિઓના નામે બેંક ખાતાઓ ખોલાવીને તેને સાયબર સિન્ડિકેટને વેચતા હતા. જાણીજોઈને છેતરપિંડીના પૈસા આ ખાતાઓમાં જમા કરાવીને તેને આંગડીયા, ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન અથવા RTGS મારફતે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટને મોકલી આપતા હતા. આમ કરીને તેઓ પોતાનું કમિશન મેળવતા હતા.પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને વિદેશમાં બેઠેલા મુખ્ય આરોપીઓને પકડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, અજાણી વ્યક્તિઓ અથવા ગ્રુપ્સ તરફથી આવતી રોકાણની લાલચમાં ન પડવું અને SEBI રજિસ્ટ્રેશનની તપાસ કરીને જ રોકાણ કરવું. આવા કેસોમાં તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર સંપર્ક કરવો.
136

