વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે વિશ્વમાં ઓળખ મેળવેલા ધોળાવીરાએ આ વર્ષે એક નવી ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. આંતરરાષ્ટ્રીય પતંગોત્ત્સવ 2026ની ભવ્ય શરૂઆત સાથે ધોળાવીરાનું આકાશ રંગબેરંગી પતંગોથી જીવંત બન્યું હતું. દેશ-વિદેશના પતંગ રસિયાઓએ પોતાની અનોખી કલાત્મક પતંગ સાથે કચ્છની ધરતીને વૈશ્વિક સંસ્કૃતિના સંગમ તરીકે ફરી એકવાર ઉજાગર કરી હતી. ગુજરાત પ્રવાસન નિગમ અને કચ્છ જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી યોજાયેલા આ ભવ્ય ઉત્સવમાં 17થી વધુ દેશોના આંતરરાષ્ટ્રીય પતંગ રસિયાઓ તેમજ ભારતના અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા અનુભવી પતંગકારોએ ભાગ લીધો હતો. ધોળાવીરાના ખુલ્લા આકાશમાં ઉડતી વિશાળ ડ્રેગન, પક્ષી, પરંપરાગત અને આધુનિક ડિઝાઇનની પતંગોએ ઉપસ્થિત હજારો દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા.કાર્યક્રમનું ઔપચારિક ઉદ્ઘાટન કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને થયું હ. આ અવસરે દેશ-વિદેશથી આવેલા કાઈટિસ્ટોને સ્મૃતિચિહ્નો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પોતાના સંબોધનમાં પ્રમુખએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના વિઝન અને ગુજરાત સરકારના પ્રયત્નોથી કચ્છ હવે માત્ર સરહદી જિલ્લો નહીં પરંતુ વૈશ્વિક પ્રવાસન નકશા પર વિશિષ્ટ સ્થાન ધરાવતો પ્રદેશ બન્યો છે. ધોળાવીરા જેવી વિશ્વ વારસાની ધરતી પર આંતરરાષ્ટ્રીય ઉત્સવો યોજાવા તે આ બદલાવનો જીવંત દાખલો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આવા ઉત્સવો માત્ર મનોરંજન પૂરતા નથી, પરંતુ તે ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને આતિથ્યભાવને વિશ્વ સુધી પહોંચાડવાનું સશક્ત માધ્યમ પણ બને છે. પ્રવાસીઓ અહીં આવીને માત્ર પતંગો નહીં, પરંતુ કચ્છની સંસ્કૃતિ, લોકનૃત્ય અને સ્થાનિક જીવનશૈલીને પણ નજીકથી અનુભવે છે.જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરે પણ ઉપસ્થિત કાઈટિસ્ટો અને પ્રવાસીઓને આવકાર આપતાં કહ્યું હતું કે ઉત્તરાયણ ગુજરાતનો સૌથી ઉત્સાહી અને પવિત્ર તહેવાર છે. આ વર્ષે જ્યારે આ તહેવાર ધોળાવીરા જેવી ઐતિહાસિક ધરતી પર આંતરરાષ્ટ્રીય રંગમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે તે પ્રવાસન ક્ષેત્ર માટે પણ નવી તક સર્જી રહ્યો છે.ઉત્સવ દરમિયાન અલ્જીરિયા, આર્જેન્ટિના, ચિલી, ફ્રાન્સ, ઈન્ડોનેશિયા, રશિયા, મલેશિયા, વિયેતનામ, યુકે સહિત અનેક દેશોના કાઈટિસ્ટોએ પોતાની કલાત્મક પતંગો રજૂ કરી. ભારતમાંથી પણ દિલ્હી, કેરલ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિત વિવિધ રાજ્યોના પતંગકારોએ ભાગ લઈને ધોળાવીરાના આકાશને કલાની પ્રદર્શનશાળામાં ફેરવી દીધું.આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ, સ્થાનિક ગ્રામજનો અને દેશ-વિદેશથી આવેલા પ્રવાસીઓએ ઉત્સવનો આનંદ માણ્યો. કચ્છી લોકનૃત્ય અને સંગીતની રજૂઆતોએ સમગ્ર વાતાવરણને સાંસ્કૃતિક રંગમાં રંગી દીધું, જેને વિદેશી મહેમાનો દ્વારા પણ ખૂબ સરાહના મળી. ધોળાવીરામાં યોજાયેલો આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ કચ્છની ધરતી પરથી દુનિયાને જોડતો એક રંગીન સંદેશ બન્યો છે — જ્યાં ઇતિહાસ, સંસ્કૃતિ અને આકાશમાં ઉડતી કલાએ એકસાથે ઉડાન ભરી.
83
previous post

