છેલ્લા એક સપ્તાહથી ગેસ સિલિન્ડરની અછતને કારણે લોકો પરેશાન છે. કીમ અને કોસંબા સહિતની ગેસ એજન્સીઓની બહાર સવારથી લાંબી લાઇનો જોવા મળે છે, પરંતુ ઘણા ગ્રાહકોને ખાલી હાથે પાછા ફરવું પડે છે. ઓનલાઇન બુકિંગ કરાવ્યા પછી પણ સિલિન્ડર ન મળતાં ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળે છે.સામાન્ય રીતે ગેસના ભાવ વધે ત્યારે લોકોમાં નારાજગી જોવા મળે છે, પરંતુ આ વખતે સિલિન્ડરની અછતને કારણે લોકો અકળાયા છે. ગેસ એજન્સી સંચાલકો આ પરિસ્થિતિ માટે અલગ-અલગ કારણો આપી રહ્યા છે. કીમની એજન્સીના સંચાલકનું કહેવું છે કે, પુરવઠો પૂરતો મળતો નથી, જ્યારે કોસંબાના સંચાલકો ખરાબ રસ્તાઓને કારણે ટ્રક ન આવવાનો બચાવ કરે છે. આ બધાની વચ્ચે સામાન્ય નાગરિકો હેરાન થઈ રહ્યા છે.આ પરિસ્થિતિને કારણે અનેક પરિવારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કીમની એચ.પી. ગેસ એજન્સી પર આવેલા નીરૂબેન નામના ગ્રાહકે પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે, તેઓ ઘરેથી સિલિન્ડર લઈને આવ્યા હતા, પરંતુ સિલિન્ડર ન મળતાં તેઓ નિરાશ થયા. કોસંબામાં પણ આવી જ હાલત છે, જ્યાં ગ્રાહકો બે દિવસથી એજન્સીના ધક્કા ખાઈ રહ્યા છે.આ પરિસ્થિતિ પર રાજ્ય સરકારે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. ગ્રાહકોની ધીરજ ખૂટી રહી છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે સરકારે યોગ્ય પગલાં ભરવા જોઈએ. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ આગળ આવીને લોકોની સમસ્યાઓ સાંભળવી જોઈએ, જેથી આ મુદ્દો વધુ ઉગ્ર બને તે પહેલાં તેનો ઉકેલ લાવી શકાય.
57
previous post

