સુરતમાં મેઘરાજાની બેટિંગ: બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ

by mahi
0 comments

સુરત શહેરમાં હવામાન વિભાગની આગાહી મુજબ, સુરત શહેરમાં આજે મેઘરાજાએ ધમાકેદાર રીતે પ્રવેશ કર્યો. માત્ર બે કલાકમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ ખાબકતાં શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વેસુ, અઠવા, અડાજણ, કતારગામ અને વરાછા જેવા મુખ્ય વિસ્તારોના રસ્તાઓ પર ઘૂંટણસમું પાણી ભરાયું. ખાસ કરીને અડાજણ સર્કલ પર બાઇક અડધી ડૂબી ગઈ હતી.અચાનક શરૂ થયેલા આ ધોધમાર વરસાદને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઓછી દૃશ્યતા અને રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે અનેક વાહનો બંધ પડ્યાં, જેના લીધે ઠેરઠેર લાંબા ટ્રાફિક જામ સર્જાયા. કામકાજ માટે નીકળેલા લોકો રસ્તામાં અટવાઈ ગયા.શહેરના નીચાણવાળા વિસ્તારોની જેમ સુરત સિવિલ હોસ્પિટલમાં પણ પાણી ભરાયું. સુપરિન્ટેન્ડેન્ટની કચેરી અને જૂના ટ્રોમા સેન્ટરની બહાર પાણી ભરાવાથી દર્દીઓને લઈ જતું ઇલેક્ટ્રિક વાહન બંધ પડ્યું, જ્યારે એક રિક્ષા અને બાઇક ગટરમાં ફસાઈ ગયાં.બીજી તરફ, વરાછા ગરનાળા પાસે પણ પરિસ્થિતિ ગંભીર બની. રેલવે સ્ટેશનના એલિવેટેડ કામને કારણે પહેલેથી જ અડધો રસ્તો બંધ હતો, અને બાકીના રસ્તા પર પાણી ભરાવાથી લગભગ એક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. સ્થાનિકોનું કહેવું છે કે, છેલ્લા છ-સાત મહિનાથી રસ્તાની ખરાબ હાલત હોવા છતાં તેનું સમારકામ કરવામાં આવ્યું નથી. સ્થાનિકોએ તંત્ર પાસે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માગ કરી છે.

You may also like

Leave a Comment