ગુજરાતમાં રાહુલ ગાંધીની એન્ટ્રી પહેલાં કોંગ્રેસ હાઈકમાન્ડનું બેટિંગ

જૂનાગઢ : 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતમાં સંગઠન મજબૂત બનાવવા તજવીજ શરૂ કરી છે. જૂનાગઢની ભવનાથ તળેટીમાં ચાલી રહેલી શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરમાં આજે ત્રીજા દિવસે રાહુલ ગાંધી હાજરી આપશે અને 41 શહેર-જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપશે.

રાહુલ ગાંધીના આગમન પહેલાં જ હાઈકમાન્ડે નિષ્ક્રીય અને અપ્રભાવશાળી નેતાઓને હટાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. અમરેલી જિલ્લાના પ્રમુખ પ્રતાપ દૂધાતને પદ પરથી હાંકી કાઢવાની ચર્ચા ચાલી રહી છે, જ્યારે 9 જિલ્લા પ્રમુખોને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ‘સડેલી કેરી’ ગણાવ્યા છે. આ રાજકીય હલચલને પગલે સ્થાનિક નેતાઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

રાહુલ ગાંધી બપોરે 1.15 વાગ્યે કેશોદ એરપોર્ટ પર પહોંચશે અને 2.30 વાગ્યે જુનાગઢ આવી કાળવા ચોક ખાતે ભવ્ય સ્વાગત બાદ સીધા ભવનાથ તળેટીના પ્રેરણાધામ આશ્રમ જશે. કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ પોરબંદર જવાના છે. સુરક્ષા એજન્સીઓએ રાહુલ ગાંધીના પ્રવાસને ધ્યાનમાં રાખીને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.

છેલ્લા સાત મહિનામાં રાહુલ ગાંધીની આ ગુજરાતની પાંચમી મુલાકાત છે. અગાઉ તેઓ અમદાવાદ, મોડાસા અને આણંદમાં યોજાયેલી બેઠકો અને શિબિરોમાં હાજરી આપી ચૂક્યા છે. આ મુલાકાત કોંગ્રેસ કાર્યકરો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે 2027ની ચૂંટણીમાં ભાજપને કઠિન ટક્કર આપવાનું લક્ષ્ય રાખીને સંગઠનને નવજીવન આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

👉 કોંગ્રેસની અંદર ચાલી રહેલા આ બદલાવને લઈને સ્પષ્ટ સંકેત મળે છે કે હાઈકમાન્ડ હવે “લંગડા ઘોડાઓ”ને હટાવી “રેસના ઘોડાઓ”ને આગળ લાવવા માગે છે.

You may also like

Leave a Comment