રામોલ વિસ્તારમાં લૂંટ અને અપહરણના ગુનામાં રામોલ પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 25 લાખ રોકડ, સોના-ચાંદીના દાગીના સહિત કુલ 53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. મુખ્ય આરોપી સંગ્રામસિંહ સિકરવાર અને ઋષિ ઉર્ફે હેપ્પી સહિત 6 આરોપીઓની રાજસ્થાનના કોટા શહેરમાંથી ધરપકડ કરવામાં આવી. આ કેસમાં ઋષિ ફરિયાદીનો કૌટુંબિક ભાણિયો છે અને તેણે સંગ્રામસિંહને લૂંટ અને અપહરણની ટિપ આપી હતી. રૂપિયાની જરૂરિયાતને કારણે સંગ્રામસિંહ ચાર દિવસ પહેલાં અમદાવાદ આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે ધૂળેટીના સમયે વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા આતંકની ઘટના બાદ સંગ્રામસિંહ સતત બહાર રહેતો હતો. આરોપીઓએ ગુનો આચરવા માટે ઇનોવા કાર ભાડે લીધી હતી. વટવામાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા એક યુવકનું અપહરણ કરીને આરોપીઓએ 26 લાખ રોકડ અને 25 લાખના સોના-ચાંદીના દાગીના સહિત કુલ 53 લાખની લૂંટ આચરી હતી.આ ગુનાને અંજામ આપવા માટે ઋષિએ સંગ્રામસિંહને મામાની સંપત્તિની માહિતી આપી હતી. આરોપીઓએ યુવકનું રામોલથી અપહરણ કરીને નાના ચિલોડા ખાતે લઈ ગયા હતા. ત્યાંથી તેમણે યુવકના ઘરે ફોન કરાવીને 26 લાખ રોકડ અને 25 લાખના દાગીના તેમજ 1.5 કિલો ચાંદી મંગાવી હતી. લૂંટનો માલ મળ્યા બાદ આરોપીઓએ યુવકને છોડી મૂક્યો હતો.આ ઘટનાની જાણ 112 ઇમરજન્સી નંબર પર કરવામાં આવતાં રામોલ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી. અપહૃત યુવકે પોલીસને ગાડીનો નંબર આપ્યો હતો, જેના આધારે પોલીસે તપાસ કરી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગાડી ભાડે આપવામાં આવી હતી. પોલીસે ગાડીના માલિક પાસેથી ભાડે લેનારની વિગતો મેળવી અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આરોપીઓ રાજસ્થાનના કોટા શહેરમાં હોવાનું જાણવા મળ્યું. રામોલ પોલીસે રાજસ્થાન પોલીસની મદદથી કોટામાંથી સંગ્રામસિંહ સિકરવાર, શિવમ ઉર્ફે કાકુ, સૂરજ ચૌહાણ, સેજુ, અમન ભદોરિયા અને ઋષિ સહિત 6 આરોપીઓની ધરપકડ કરી.પૂછપરછ દરમિયાન ઋષિ પાસેથી લૂંટનો સંપૂર્ણ મુદ્દામાલ, જેમાં 26 લાખ રોકડ, 25 લાખના સોનાના દાગીના અને 1.5 લાખની કિંમતની 1.5 કિલો ચાંદીનો સમાવેશ થાય છે, કબજે કરવામાં આવ્યો. રામોલ પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો અને તમામ આરોપીઓને કસ્ટડીમાં લઈને વધુ તપાસ હાથ ધરી છે.
163

