એક્ટિવા પર જતાં દંપતીનું વીજકરંટથી કરુણ મોત
માનવતા ચૂક્યું કોર્પોરેશન : પતિ-પત્નીના મૃતદેહ લઈને પરિવાર પહોંચ્યો ઝોન ઓફિસે, પોલીસ સાથે ઘર્ષણ બાદ આવેદનપત્ર સ્વીકારાયું
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીમાં ગઈકાલે(8 સપ્ટેમ્બર) રાત્રે હૃદયદ્રાવક ઘટના બની હતી. રોડ પર પડેલા ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં કરંટ ભરાતા એક્ટિવા પર જઈ રહેલા દંપતીનું મોત થયું હતું.
સીસીટીવી ફૂટેજ મુજબ, વરસાદી પાણીથી ભરાયેલા રોડ પરથી પસાર થતી વખતે પત્ની અંકિતાબેન રાજનભાઈ સિંઘલ ફસડાઈ પડી ગયાં હતાં. પતિ રાજન હરજીવનભાઈ સિંઘલ તેમને બચાવવા દોડી ગયા ત્યારે બન્નેને વીજકરંટ લાગતા ઘટનાસ્થળે જ બેભાન થઈ ગયાં હતાં. તાત્કાલિક ફાયરબ્રિગેડ અને વીજ કંપનીના અધિકારીઓને જાણ કરાયા બાદ તેમને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ તબીબોએ બન્નેને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટનાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીને ફરી એકવાર ઉજાગર કરી દીધી છે. પીડિત પરિવાર આજે મૃતદેહ લઈને દક્ષિણ ઝોનની ઓફિસે ન્યાયની માંગ સાથે પહોંચ્યો હતો. પરંતુ તંત્રએ માનવતા ભૂલી કચેરીના દરવાજા તાળાબંધ કરી દીધા હતા. પરિવારજનો ઉગ્ર રજૂઆત કરતાં પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે ઘર્ષણ સર્જાયું હતું.
અંતે પરિસ્થિતિ બગડતી જોઈ અધિકારીઓ બહાર આવીને આવેદનપત્ર સ્વીકાર્યું હતું. પરિવારજનોનું હૈયાફાટ રોદન જોઈ સ્થાનિકો સહિત સર્વત્ર કોર્પોરેશન સામે આક્રોશ ફાટી નીકળ્યો છે.

