રાહુલ ગાંધીના વકીલ રહી ચૂકેલા એડવોકેટ ફિરોઝ પઠાણનો આપઘાત
સુરત શહેરમાં કોંગ્રેસના પૂર્વ લીગલ કન્વીનર તથા જાણીતા વકીલ એડવોકેટ ફિરોઝ પઠાણે અગમ્ય કારણસર આપઘાત કર્યો છે. મળતી માહિતી અનુસાર, 5 સપ્ટેમ્બરના રોજ બપોરે લગભગ 11 વાગ્યે ફિરોઝભાઈએ કેબલ બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવ્યું હતું.
ફાયર વિભાગે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. લાંબી જહેમત બાદ 6 સપ્ટેમ્બરની વહેલી સવારે ઉભરાટના દરિયાકાંઠે તેમનો મૃતદેહ મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ફિરોઝ પઠાણ એક સમયના રાહુલ ગાંધીના વકીલ તરીકે કાર્યરત રહ્યા હતા અને તેઓ કોંગ્રેસના સક્રિય આગેવાન હતા. તેમના પિતા કોંગ્રેસના કોર્પોરેટર હતા, જ્યારે તેઓ પોતે લીગલ ચેરમેન તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા હતા.
ઘટનાથી થોડા કલાકો પહેલા ફિરોઝભાઈએ પોતાના જુનિયર વકીલ દીપક સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “મને કશું થાય તો કોર્ટની બાજુમાં આવેલા બ્રિજ પર શોધવા આવજો.” દીપકભાઈએ તેમને હિંમત આપવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ થોડા સમય બાદ બ્રિજની પાસે તેમની કાર મળી આવતાં દુર્ઘટનાની શંકા મજબૂત થઈ.
ફિરોઝ પઠાણના આકસ્મિક અવસાનથી સુરતના વકીલાત ક્ષેત્ર તથા કોંગ્રેસ વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી છે.

