પૌરાણિક ગળતેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા કરતા CM ભૂપેન્દ્ર પટેલ

by mahi
0 comments
આજે 76માં વન મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં નિર્માણ પામેલા રાજ્યના 24માં સાંસ્કૃતિક વનના લોકાર્પણ કાર્યક્રમ ઠાસરા તાલુકાના સરનાલ ગામે યોજાયો હતો. જેમાં ગળતેશ્વર વનના લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્થાન ઉપર આવેલા પૌરાણિક ગળતેશ્વ મહાદેવ મંદિરમાં મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. આટલું જ નહીં તેમને અહીં મંદિરની પરિક્રમા કરી, આ પૌરાણિક મંદિરના સ્થાપત્યને નિહાળ્યું હતું અને ગાલ્વ ઋષિના માહત્મ્યથી પરિચિત થયા હતા.
આજે(30 ઓગસ્ટે) ખેડા જિલ્લામાં રાજ્યકક્ષાના ‘76માં વન મહોત્સવ’ની ઉજવણી થઈ હતી, જેમાં ખેડા જિલ્લાને વન વિભાગ દ્વારા સાંસ્કૃતિક વન તરીકે “ગળતેશ્વર વન”ની અનોખી ભેટ મળી છે, આ માટે ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામમાં આવેલા ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે મુખ્યમંત્રી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને પ્રશસ્તિપત્ર એનાયત પણ કરવામાં આવ્યા હતા. ખાસ આ ગળતેશ્વર વનની વાત કરીએ તો, ખેડા જિલ્લામાં ગળતેશ્વર તાલુકામાં મહીસાગર નદી કિનારે 5 હેક્ટર વિસ્તારમાં રાજ્યનું 24મું સાંસ્કૃતિક વન વિકાસ પામેલું છે. જેમાં 300થી વધુ પ્રજાતિઓ વૃક્ષોને વિવિધ આકર્ષિત આકારમાં કટિંગ કરીને વાવવામાં આવ્યા છે. જેના થકી આ વન કોતર વિસ્તારમાં બાયોડાયવર્સિટીને સમૃદ્ધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે, સાથે જ અહીં ઈકો ટુરિઝમને વિકસીત કરવામાં પણ ઉપયોગી બનશે.નોંધનીય છે કે, આ ગળતેશ્વર વન સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ઠાકોરજીના ધામથી માત્ર 10થી 12 કિ.મી.ના અંતરે મહીસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને ગળતેશ્વર મહાદેવના મંદિર પાસે વિકસીત કરાયું છે. ખાસ યાત્રાધામ ડાકોરમાં રોજના હજારો શ્રદ્ધાળુંઓ ઉપરાંત માત્ર આ ગળતેશ્વર મહાદેવમાં દરરોજ 1200 દર્શનાર્થી આવે છે. આ મંદિરે શિવરાત્રીના દિવસે અહીં ભવ્ય મેળો પણ ભરાય છે અને પુરાતત્વ ખાતા દ્વારા તેને રાષ્ટ્રીય સ્મારક પણ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અહીં આવતા હજારો ભક્તો અને પર્યટકો પણ આ વનની આહલાદક સફરનો આનંદ માણી શકશે, જેના થકી સ્થાનિક અર્થ તંત્રને વેગ મળતા સ્થાનિક રોજગારી મળશે.ઉલ્લેખનિય છે કે, આ ગળતેશ્વર વનના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે સાથે સાંસદ દેવુસિંહ ચૌહાણ, પંચમહાલના સાંસદ રાજપાલ સિંહ જાદવ, ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, પોલીસ અધિક્ષક વિજય પટેલ, વન સંરક્ષક મિતલબેન સાવંત, આનંદકુમાર અને અગ્રણી નયનાબેન પટેલ ઉપસ્થિત રહી સહભાગી બન્યા હતા.

You may also like

Leave a Comment